રાજકોટમાં મકાન ખાલી કરાવવા આવેલા બેંક અધિકારીની હાજરીમાં આધેડનો આપ*ઘાત, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં અત્યારે હજારો લોકો એવા હશે જેમણે બેન્ક અથવા તો અન્ય માધ્યમો મારફતે લોન લઈ પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બનવું પડ્યું હશે. જો કે ઘણી વખત એવું બન્યું છે જ્યારે બે છેડાં ભેગા ન થતાં લોન ભરપાઈ થઈ શકતી ન હોય લોન રિકવરી એજન્ટસ દ્વારા ગુંડાઓ જેવું વર્તન કરી જબદરસ્તી કરવામાં આવી રહી હોય લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ગયા છે. આવી જ એક ઉઘરાણી અને જબરદસ્તીથી કંટાળી આધેડ લોન રિકવરી એજન્ટની હાજરીમાં જ આધેડે સળગી જઈને આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી હતી.
શું છે સમગ્ર મામલો ?
આજી ડેમ પોલીસ મથક પાસે આવેલા સ્વાતિ પાર્ક મેઈન રોડ ઉપર રહેતા અને નિવૃત્ત જીવન ગાળતાં જયંતીભાઈ ચુનીભાઈ પરમાર (ઉ.વ.55) નામના આધેડે પોતાનું મકાન ગીરવે મુકી 2022માં પંજાબ નેશનલ બેન્કમાંથી 23 લાખની લોન લીધી હતી. આ પેટે તેમને 28,000નો હપ્તો આવી રહ્યો હતો જેના સાત હપ્તા ભરપાઈ કરી દીધા હતા. જો કે પુત્ર મોહિત પરમારના ધંધાના વિકાસ માટે લોન લીધી હતી પરંતુ ધંધો વ્યવસ્થિત ન ચાલતાં 13 હપ્તા ચડી જવા પામ્યા હતા. આ પછી લોન રિકવરી એજન્ટ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વારંવાર કડક ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

દરમિયાન રવિવારે રજાના દિવસે વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સો જયંતીભાઈ પરમારના ઘેર ધસી ગયા હતા અને આજે જ મકાન ખાલી કરવું પડશે કહી માથાકૂટ કરવા લાગતાં જયંતીભાઈ પરમાર કંટાળી ગયા હતા. આ પછી `હું ફાકી ખાઈને આવું છું’ કહીને જયંતીભાઈ બાજુમાં જ આવેલા પેટ્રોલપંપ ઉપર ગયા હતા અને ત્યાંથી પેટ્રોલ ખરીદીને આવ્યા બાદ લોન રિકવરી એજન્ટની હાજરીમાં જ શરીરે પેટ્રોલ છાટી કાંડી ચાંપી દેતાં ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

સાહેબ, અમે ભાડે મકાન લઈ લીધું છે, એક દિવસ આપો ખાલી કરી દેશું કહ્યું છતાં ન માન્યા
મૃતક જયંતીભાઈ પરમારના પુત્ર મોહિત પરમારે જણાવ્યું હતું કે શનિવારે મોહિતના માતાની તિથિ હતી ત્યારે પણ વિરેન્દ્રસિંહ જાડેજાનો તેના ઉપર ફોન આવ્યો હતો કે આવતીકાલે મતલબ કે રવિવારે તેને ઉપરોક્ત મકાન ખાલી જોશે પરંતુ ઘરમાં પ્રસંગ હોય કોઈ પ્રકારની માથાકૂટ કરી ન્હોતી.

જ્યારે રવિવારે સવારે દસેક વાગ્યે જ વિરેન્દ્રસિંહ અને તેની સાથે શખ્સો ધસી આવ્યા હતા અને મકાન ખાલી કરવા માટે જબદરસ્તી કરવા લાગ્યા ત્યારે જયંતીભાઈએ સાહેબ, અમે ભાડે મકાન શોધી લીધું છે. એક દિવસ આપો એટલે ખાલી કરી દેશું તેવી અરજ પણ કરી હતી પરંતુ લોન રિકવરી એજન્ટે તેમનો કાંઠલો પકડી આજે જ મકાન ખાલી કરવું પડશે તેવી ધમકી આપતાં જયંતીભાઈ કંટાળી ગયા હતા.
