કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં વરસાદે મચાવી તબાહી : અનેક ગુજરાતીઓ ફસાયા, રસ્તાઓ બ્લોક
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યો છે. સતત મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. આભ ફાટતાં અનેક ઘર ધરાશાયી થયા હતા. રામવનમાં વાદળ ફાટતાં 3 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધર્મકુંડ ગામમાં 40 ઘરો ધરાશાયી થયા હતા. લદાખમાં પણ કરા પડ્યા હતા અને આમ મોસમે જમ્મુ-કાશ્મીરમા ભારે તબાહી મચાવી દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવતા 50 ગુજરાતીઓ પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. એક પહાડ ધસી પડતાં માર્ગ પર આફત ઉતરી હતી. અને કાદવનો પ્રવાહ ઘરો સુધી આવી ગયો હતો. અનેક વાહનો તણાઇ ગયા હતા. ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર હાઇ-વે બંધ કરી દેવાયો હતો. એનડીઆરએફના જવાનો બચાવ રાહત માટે પહોંચી ગયા હતા .

પરિવહન સેવાઓ ખોરવાઈ
જમ્મુ-કાશ્મીરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગાહીના પગલે ભારે વરસાદે તબાહી મચાવી હતી. જમ્મુ-શ્રીનગરની જીવન રેખા ગણાતા નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો ઉભો થયો હતો જેના કારણે હાઈવે લગભગ બંધ થયો હતો. પરિવહન સેવાઓ ખોરવાઈ હતી. સેકડોં વાહનો ફસાયા હતા. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ ખોરવાયો હતો. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. રામવનના ધર્મકુંડ ગામમાં પૂર આવ્યું હતું. અનેક મકાનોને નુકસાની થઈ હતી. પશુઓનો સોથ વળ્યો હતો.

કાશ્મીરમાં બપોરે બરફના કરાં પડવાની અને વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. વર્તમાન સિસ્ટમ પર નજર રાખતાં હવામાન વિભાગે રવિવારે દિવસે રેડ એલર્ટ આપ્યું હતું. સોમવારથી હવામાનમાં સુધારો થવાની શક્યતા દર્શાવી છે. અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પડી હતી જેમાં વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. એક મહિલા ઘાયલ થઈ હતી. વીજ પડવાથી 40-50 ઘેટાં-બકરાંઓના પણ મોત થયા હતા. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 પ્રવાસીઓ ફસાયા

કાશ્મીરમાં અનેક પ્રવાસીઓ પણ આ કારણે અટવાયા છે. ગુજરાતના 50થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાનો અહેવાલ છે. ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 મળી કુલ 50 ગુજરાતીઓ ફસાયા છે. બનાસકાંઠાના કલેકટરે રામબન જિલ્લા કલેકટરનો સંપર્ક કર્યો છે.તમામને સલામત સ્થળે ખસેડવાની અપાઈ ખાતરી કરી છે. તમામ લોકો સુરક્ષિત છે. જમ્મુ-કાશ્મીરમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું , “ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે પરત લાવીશું.” તો બીજી બાજુ રેસ્ક્યુ ટીમ દ્વારા મોડી રાત્રે ફસાયેલા ગુજરાતીઓની જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાઇ-વે પર વાહનો ફસાયા
ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા હતા. સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે. તેમજ હાઈવે પર મુસાફરી ન કરવા કહ્યું હતું.