અમને બીક લાગે છે ! અત્યાર સુધી સામાન્ય લાગતાં રાજકોટ સિટી બસના મુસાફરો ડ્રાઇવરોને ખૂંખાર લાગવા લાગ્યા
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસે ચાર લોકોને કચડી નાખ્યા બાદ શહેરમાં તમામ સિટી બસના ચાલકો સામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. બીજી બાજુ ઘટના બન્યા બાદ દરેક સિટી બસના ચાલકને લોકો પોતાના ઉપર હુમલો કરી દેશે તો તેવી ચિંતા સતાવી રહી હોય બરાબર ત્યારે જ કોન્ટ્રાક્ટર એજન્સીના ત્રણેય જવાબદાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી જતાં હુમલા સહિતની ઘટના બને તો અમારું કોણ ? તેવી ભીતિએ એક સાથે 74 સિટી બસના ચાલકોએ હડતાલ પાડી દેતાં 30,000 મુસાફરો રીતસરના રઝળી પડ્યા હતા.
એકંદરે એક બસે ચાર વ્યક્તિના મોત નિપજાવતાં હવે બધી બસના ડ્રાઈવરોને પોતાની સુરક્ષા દેખાવા લાગી હતી અને સુરક્ષાના બહાને જ આ હડતાલ પાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે બસે અકસ્માત કર્યો તે અટલ સરોવરથી ઉપડીને પ્રદ્યુમન પાર્ક અને ત્યાંથી લાઈટ હાઉસના રૂટ ઉપર દોડતી હતી. બીજી બાજુ લોકોને બરાબરનો ખ્યાલ આવી ગયો હતો કે અકસ્માત સર્જનાર બસ અટલ સરોવરથી ઉપડે છે અને અહીંથી ઉપડનારી બસના ચાલકો બેફામ વાહન હંકારતા હોય છે. આ વાત ધ્યાન પર આવી જતાં અટલ સરોવર ખાતેથી ઉપડનારી 74 બસના ચાલકોએ એક ઝાટકે હડતાલ પાડી દીધી હતી.
બીજી બાજુ ડ્રાયવરોએ ગુરૂવાર સાંજથી જ બસ સંચાલન સંભાળનારી વિશ્વમ એજન્સીના સંચાલકો જસ્મિન રાઠોડ, પ્રભજ્યોતસિંઘ અને મનિષ મિશ્રાને પોતાની સુરક્ષા અંગે બાહેંધરી આપવા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાને કારણે જસ્મિન રાઠોડનો ફોન બંધ આવ્યો હતો તો પ્રભજ્યોતસિંઘે બીમાર હોવાનું બ્હાનું કાઢ્યું હતું. આ જ રીતે મનિષ મિશ્રાને `અચાનક’ ગામડે જવાનું યાદ આવી જતાં તેઓ ત્યાં ચાલ્યા ગયા હોવાનો જવાબ મળતાં ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા.
આ અંગેની જાણ મહાપાલિકાના અધિકારીઓને થતાં તેમણે વિશ્વમ એજન્સીને બસ સંચાલનનો પેટા કોન્ટ્રાક્ટ આપનાર દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સીના જવાબદારોનો સંપર્ક કરી તેમને તાત્કાલિક મહાપાલિકા કચેરી ખાતે હાજર થવાનું ફરમાન આપતાં જ બે અધિકારીઓ ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જો કે આ બેઠકનો નિષ્કર્ષ શું નીકળ્યો તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવાની તસ્દી લેવામાં આવી ન્હોતી. એકંદરે મહાપાલિકા અને એજન્સી વચ્ચેના ક્લેશને કારણે 30,000થી વધુ મુસાફરોનો મરો થઈ જવા પામ્યો હતો.
ડ્રાઈવરોએ મહાપાલિકાના અધિકારીને કહ્યું, હવે અમને બીક લાગે છે !
ઈન્દીરા સર્કલ પાસે અકસ્માતની ઘટના બુધવારે બની હતી. આ પછી ગુરૂવારે તમામ બસનું સંચાલન સુપેરે ચાલ્યું હતું પરંતુ જ્યાં જ્યાં બસ લઈને ડ્રાઈવરો ગયા ત્યાં મુસાફરો તેમની સાથે શંકાસ્પદ અને કરડાકી નજરે જોઈ રહ્યા હોય ડ્રાઈવરોને ડર લાગતાં ગુરૂવારે સાંજે જ મહાપાલિકાના ટ્રાફિક ઈન્સ્પેક્ટરોને રજૂઆત કરતાં કહ્યું હતું કે `હવે અમને બીક લાગી રહી છે’ આ પછી ડ્રાઈવરોએ એજન્સીના સંચાલકોને સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક ન થઈ શકતાં આખરે હડતાલ પાડી દીધી હતી.