વિરાણી હાઈસ્કૂલ ફરી વિવાદમાં : આ તારીખે થશે હાઇકોર્ટમાં સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો
પ્રાંત અધિકારીના હુકમ સામે અપીલના બદલે ટ્રસ્ટીઓ ફરી હાઇકોર્ટમાં ગયા : શરતભંગ અંગેના પણ તોળાતા પગલાં
રાજકોટ : રાજકોટ શહેરની વચ્ચોવચ આવેલ ઐતિહાસિક શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ પ્રકરણમાં રાજકોટ સીટી પ્રાંત અધિકારી દ્વારા જમીનનો સત્તાપ્રકાર કે-5 કરી જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલ મેદાનમાં હાલમાં છડેચોક રાત્રી બજાર અને બોક્સ ક્રિકેટની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે શરતભંગની કાર્યવાહી થાય તે પહેલા જ ફરી ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં દોડી ગયા હોવાનું અને આગામી તા.21 એપ્રિલના રોજ સુનાવણી યોજનાર હોવાનું જાણવા મળે છે.
રાજકોટની ઐતિહાસિક વિરાણી હાઈસ્કૂલમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફારો થયા બાદ સતત વિવાદો ચાલી રહ્યા છે જેમાં વિરાણી હાઇસ્કૂલની જમીન રોડ કપાતમાં ગયા બાદ સીટી સર્વે કચેરીમાં નોંધ પાડવામાં ક્ષતિ રહેતા આ મામલે નોંધ મૂળ સ્થિતિએ લાવવા હાઇકોર્ટ સુધી પ્રકરણ ચાલ્યા બાદ રાજકોટ સીટી પ્રાંત-1 કચેરી દ્વારા કેસ ચલાવી ઐતિહાસિક ચુકાદો આપી ક્ષતિ પૂર્વક થયેલી નોંધ સુધારી જમીનનો સતાપ્રકાર કે-5 કરવા આદેશ કરી જમીન ફાળવણીના હુકમની શરત મુજબ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો આદેશ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીના સ્પષ્ટ ચુકાદા બાદ પણ ઐતિહાસિક ધરોહર સમાન શિક્ષણધામના મેદાનમાં ખાણીપીણીની રાત્રિબજાર તેમજ બોક્સ ક્રિકેટ સહિતની મેદાન ભાડે આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખતા સમગ્ર મામલે પશ્ચિમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરાવી અહીં નફાકારક પ્રવૃત્તિ થતું હોવાં અંગે રિપોર્ટ કરતા સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર સુધી પહોચ્યુ હતું. જેમાં શરતભંગના પગલાં ભરવા આદેશ અપાયા બાદ ફરી વખત વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં દોડી ગયા હોવાનું અને આગામી તા.24 એપ્રિલના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.