રાજકોટ કલેક્ટર એરપોર્ટ પર CMના આગમનમાં હતા’ને કલેકટર કચેરીને મળ્યો ધમકીભર્યો મેઈલ
રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનો ઈ-મેઈલ મળતાં જ ભયનું લખલખું ફેલાઈ ગયું હતું. રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમ સહિતનો કાફલો દોડી ગયો હતો. કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ હતી. એક-એક રૂમ, ચેમ્બર્સ અને ખુણે-ખુણે બોમ્બ ડિસ્પોઝલ સાધનો અને સ્નીફર ડોગની મદદથી ચેક કરાયો હતો. ક્યાંક કાંઈ નહીં મળતાં બે કલાકની કવાયત બાદ કલેક્ટર તથા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

બપોરે ૨ વાગ્યાના અરસામાં રાજકોટ કલેક્ટરને મેઈલ મળે છે કે રાજકોટ કલેક્ટર કચેરી બોમ્બથી ઉડાવી દેશું. મેઈલ મળતાં જ તુરંત જ રાજકોટ પોલીસ કમિશનરને વાકેફ કરાયા હતા અને પોલીસનો કાફલો દોડી ગયો હતો. મેઈલની ગંભીરતા સાથે તુરંત જ પુરી કચેરી ખાલી કરાવાઈ હતી. સ્ટાફને બહાર કઢાયો હતો. કચેરી ખાલી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસની ટીમોએ કચેરીના કમ્પાઉન્ડ લોબી એરિયા ઉપરાંત ચારેય ગામમાં તમામ રૂમ્સ, ચેમ્બરોને સ્નીફર ડોગ તથા બોમ્બ ડિસ્પોઝલના સાધનોથી ચેક કરવામાં આવ્યા હતા.

એક તબક્કે તો પોલીસને પણ ગભરાહટ હતો કે આવડી મોટી કચેરીમાં ક્યાંય કાંઈ નીકળશે કે બ્લાસ્ટ થાય તો કેવી સ્થિતિ સર્જાય. જો કે કાંઈ ન નીકળતા સબ સલામત સાથે સૌના શ્વવાસ હેઠા બેઠા હતા.
પાટણ કલેક્ટર કચેરીના ઉડાવી દેવાની ધમકી
પાટણ કલેક્ટર કચેરીના ઉડાવી દેવાની પણ આ જ રીતે ધમકી મળી હતી ત્યાં તો સ્ટાફ, કર્મચારીઓને બપોરે રજા આપીને કચેરી ખાલી કરાવાઈ હતી. ત્યાં પણ કાંઈ નીકળ્યું ન હતું. રાજકોટ કલેક્ટર કચેરીમાં પણ અગાઉ અન્ય કચેરીઓમાં મળતી ધમકી મુજબ કાંઈ આવી વાંધાજનક કે શંકાસ્પદ કોઈ વસ્તુ નહીં મળ્યાનું પોલીસના વર્તુળોમાંથી જાણવા મળે છે. મેઈલ સાઉથમાંથી આવ્યાનું અને હવે મેઈલ પર સાયબર ક્રાઈમ પોલીસે છાનબીન હાથ ધરી છે.

હવે કલેક્ટર કચેરીઓ નિશાના પર લેવાઈ
સરકારી કચેરીઓ બોમ્બથી ઉડાવી દેવાના મેઈલની ધમકીઓનો દૌર કરી શરૂ થયો હોય તેમ જાણે કલેક્ટર કચેરીઓનો રાઉન્ડ લેવાયો છે. રાજ્યમાં પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પૂર્વે હવાઈ મથકો (એરપોર્ટ), બસ સ્ટેશનો જેવા સરકારી સંકૂલોને ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકીઓ મળી હતી. આજે મળેલા મેઈલમાં કલેક્ટર કચેરી અન્ય કચેરી ગમે ત્યારે બોમ્બથી ઉડાવી દેશું તેવી ધમકી મળી હોવાનું પોલીસના વર્તુળોમાંથી જાણવા મળે છે.

કોઇ ટીખળીઓનું કારસ્તા ?
અવારનવાર સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓ આપીને હેરારકી કે ભયનો માહોલ ફેલાવવાની આવી ગુસ્તાખી થયા કરે છે. જે તે સરકારી કચેરીઓમાં સ્ટાફ કે મુલાકાતીઓ ભયભીત બને અને પોલીસને દોડધામ થતી રહે છે. કોઈ ટીખળીઓના કારસ્તાનથી આવું થતું રહે છે.

કલેક્ટર એરપોર્ટ પર સી.એમ.ના આગમનમાં હતા ને મેઈલ મળ્યો
રાજકોટ હીરાસર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું જેથી પ્રોટોકોલ મુજબ કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ એરપોર્ટ પર હતા એ સમયે જ કલેક્ટરને મેઈલ મળ્યો હતો અને તુરંત જ સી.પી.ને મેઈલ બાબતે વાકેફ કરાયા હતા.

એક પણ ધમકીમાં મેઈલ માફિયા સુધી પોલીસ પહોંચી શકી નથી! રાજકોટ કલેક્ટર કચેરીને આજે મેઈલ મળ્યા પૂર્વે અગાઉ પણ અન્ય કચેરીઓને સમયાંતરે મેઈલ મળતા રહ્યા છે, બોમ્બ મુક્યાના કે ઉડાવી દેવાના મેઈલમાં એરપોર્ટ, બસ સ્ટેશનો કે અન્ય કચેરીઓમાં મળેલા મેઈલમાં અત્યાર સુધી આવા બનાવમાં મેઈલ માફિયા સુધી પોલીસ પહોંચી શકી નથી.
