રાજકોટ : 18 મહિના થયા તો પણ રેસકોર્સ આર્ટ ગેલેરીનું રિનોવેશન બાકી, હજુ એક મહિનો લાગશે
ઉભરતાં કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે ઉપરાંત અન્ય નાના-મોટા કાર્યક્રમનું આયોજન થઈ શકે તે માટે રેસકોર્સમાં મહાપાલિકા દ્વારા આર્ટ ગેલેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ ગેલેરી ખખડધજ થઈ ગઈ હોય વરસાદમાં રીતસરનું પાણી ટપક્યે રાખતાં ગત તા.19-10-2023થી તેનું રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ કામને 18 મહિના પૂર્ણ થઈ ગયા છતાં તે પૂરું થયું નથી અને હજુ એક મહિનો લાગી જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આર્ટ ગેલેરીના રિનોવેશનનું ખાતમુહૂર્ત કરવા માટે મોટા ઉપાડે પદાધિકારીઓ દ્વારા કોદાળી મારી કામનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ વિકાસકાર્ય હોય તેનું ખાતમુહૂર્ત કર્યા બાદ તે સમયસર પૂર્ણ થાય છે કે નહીં, નથી થઈ રહ્યું તો શા માટે નથી થઈ રહ્યું, ક્યાં અટકી રહ્યું છે તે જોવાની `ટેવ’ નહીં ધરાવતાં નેતાઓ આર્ટ ગેલેરીના રિનોવેશનમાં પણ આવું જ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જ્યારે ખાતમુહૂર્ત કરાયું ત્યારે એક વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ એક વર્ષની ઉપર છ મહિના પૂર્ણ થઈ ગયા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી.

બીજી બાજુ આ રિનોવેશન પાછળ ચાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં અલગ-અલગ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. દરમિયાન આ અંગે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મોડામાં મોડું એપ્રિલના અંત સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ તસવીરો કંઈક અલગ જ કહી રહી હોય તે રીતે હજુ અહીં ઘણું બધું કામ બાકી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર એજન્સી સામે દંડનીય કાર્યવાહી કરવાની તસ્દી લેવામાં આવશે કે પછી `આવું તો ચાલ્યા કરે’ની માફક ચલાવી લેવાશે તે સો મણનો સવાલ છે.
