નહીં વધે ડૂંગળીના ભાવ, સરકારે લગાડી 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી
હાલના સમયમાં ટામેટા રમખાણ મચાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી ટામેટાના ભાવ ઘટવાનું નામ લઈ રહ્યાં નથી, આવી સ્થિતિમાં બીજી મહત્વની જીવન જરુરી ચીજના પણ ટામેટા જેવા હાલ અટકાવવા માટે સરકાર દ્વારા વહેલી વાડ કરાઈ છે.
40 ટકા એક્સપોર્ટ ડ્યૂટીને કારણે દેશમાં જળવાઈ રહેશે ડૂંગળીનો જથ્થો
રિટેલ માર્કેટમાં વધી રહેલી મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતાં ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લાગું પાડી દીધી છે જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. દેશમાં 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી સપ્ટેમ્બરથી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ શકે તેવા સમાચારો આવતાં સરકારે તાબડતોબ આ નિર્ણય લીધો છે અને ડૂંગળીની બહારની ખેપ અટકાવી દીધી છે. 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટીને કારણે વિદેશ ઓછી ડૂંગળી જશે અને આ રીતે દેશમા તેનો પૂરતો પુરવઠો મળી રહેશે જેને કારણે ભાવ માપમાં રહેશે. ગત અઠવાડિયે કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી ઓપન માર્કેટમાં મૂકી દીધી હતી તેને કારણે પણ પૂરતો પુરવઠો થઈ રહ્યો હતો. સરકારી આંકડા મુજબ ઓગસ્ટ મહિનાથી ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. 10 ઓગસ્ટના રોજ દેશભરમાં ડુંગળીનો સરેરાશ ભાવ 27.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો, જે ગયા વર્ષ કરતા આ સમયગાળામાં 2 રૂપિયા વધુ છે.
ટામેટા તો હાલ રડાવી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ટામેટાના ભાવ પણ બેકાબુ છે. ડૂંગળીના હાલ પણ આવા ન થાય તેથી સરકારનું આ વેળાસરનું કદમ છે.
એક્સપોર્ટ ડ્યૂટી લગાડવાથી શું થાય
એક્સપોર્ટ ડ્યૂટી એટલે ભારતમાંથી વિદેશ જતી કોઈ પણ વસ્તુ પર લાગતો કર. આ કર જેટલો વધારે હોય તેટલી બહાર વસ્તુ ઓછી જાય છે અને દેશમાં તેનો પૂરતો સ્ટોક મળી રહે છે તેથી ભાવ બેકાબૂ થતા નથી. હવે સરકારે ડૂંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાડી હોવાથી વિદેશ ઓછામાં ઓછી ડૂંગળી જશે અને તેથી દેશમાં તેનો પૂરતો પુરવઠો રહેશે અને ભાવ માપમાં જ રહેશે.
