મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણા ભારતના કબજામાં ; આજે દિલ્હીમાં થશે પૂછતાછ
26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી આતંકી તહવ્વુર રાણાને ગુરૂવારે આજે પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવશે. રાણાના પ્રત્યર્પણ પહેલાં ભારતની અનેક એજન્સીઓની ટીમ અમેરિકામાં હતી અને બુધવારે દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી તેને એનઆઈએ દ્વારા કસ્ટડીમાં લેવાયો હતો.બુધવારે તેને લઈને વિમાન ભારત તરફ રવાના થયું હતું.
આતંકી રાણા સાથે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેટિવ અધિકારીની વિશેષ ટીમ હશે. રાણાના પ્રત્યર્પણની તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરી લેવાઈ હતી અને વિશેષ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગયા હતા. ગુરુવારે સવારે દિલ્હીમાં તેને લાવીને એનઆઈએ વડામથકે લઈ જવાશે અને ત્યાં પૂછતાછ થશે. ત્યારબાદ મુંબઈ પોલીસ પણ પૂછપરછ કરી શકે છે.
અમેરિકન કોર્ટના નિર્દેશ મુજબ, તહવ્વુર રાણા માટે દિલ્હી અને મુંબઈની જેલોમાં ગોપનીય રૂપે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત લાવ્યા બાદ રાણાને થોડા અઠવાડિયા સુધી એનઆઈએની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ આખુય ઓપરેશન એનએસએ અજીત ડોભાલ, એનઆઈએ અને ગૃહ મંત્રાલયના અમુક ટોચના અધિકારીઓની દેખરેખમાં થઈ રહ્યું છે.
બચવાના પ્રયાસ નિષ્ફળ થયા
આ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી નહીં શકું.