Waqf Bill pass : લોકસભામાં 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ વકફ બિલ પાસ, આજે રાજ્યસભામાં થશે રજૂ
લોકસભામાં બુધવારે મોડી રાત્રે 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વકફ (સુધારા) બિલ, ૨૦૨૫ બહુમતીથી પસાર થયું. આ સમયગાળા દરમિયાન, સરકાર અને વિપક્ષ વચ્ચે ખૂબ જ ઉગ્ર ચર્ચા જોવા મળી. નીચલા ગૃહે આ કાયદાને 288 મતો તરફેણમાં અને 232 મતો વિરુદ્ધમાં પસાર કર્યો. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના વહીવટમાં સુધારો કરવાનો, ટેકનોલોજી-આધારિત સંચાલન રજૂ કરવાનો, જટિલતાઓને દૂર કરવાનો અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. હવે સરકાર ગુરુવારે જ રાજ્યસભામાં આ બિલ રજૂ કરશે, જ્યાં લોકસભાની જેમ જ સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી શકે છે.
બુધવારનો દિવસ દેશ માટે યાદગાર અને સંસદીય ઈતિહાસ માટે અવિસ્મરણિય બની રહ્યો હતો અને લોકસભામાં વકફ સુધારા ખરડો રજૂ કરી દેવામાં આવ્યો હતો અને મધરાત્રે વોટિંગ પુરું થયું હતું અને બહુમતીથી વકફ સુધારા ખરડો પસાર થયો હતો. બીલની તરફેણમાં ૨૮૮ અને વિરૂધ્ધમાં ૨૩૨ મત પડ્યા હતા. ૧૨ કલાકની મેરેથોન ચર્ચા તેના પર ગૃહમાં થઈ હતી અને તમામ પક્ષના નેતાઓએ પોતપોતાની વાત રાખી હતી જે નીચે મુજબ છે.
કોણે શું કહ્યું ?
સંસદ પર પણ કબજો કરવાનો દાવો હતો: કિરણ રિજિજુ
લોકસભામાં ઐતિહાસિક વકફ સુધારણા ખરડો રજૂ કરતી વખતે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજુએ કહ્યું હતું કે, આ વકફ સુધારા બિલ જો ન આવ્યું હોત તો સંસદ ભવન પર પણ કબજો કરવાનો દાવો થયો હતો. આ ખરડો કોઈની સંપત્તિ હડપ કરવા માટેનો છે જ નહીં, વિપક્ષ ખોટો ભ્રમ ફેલાવે છે. આ બિલને કોઈ ધાર્મિક વ્યવસ્થા સાથે લેવાદેવા નથી. ગરીબ મુસ્લિમો માટે લાભકારક છે.
બંધારણને ખતમ કરવા માગે છે સરકાર: કોંગ્રેસ
કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બદલે ગૌરવ ગોગોઈએ પાર્ટીનો મત રાખ્યો હતો અને એવો આરોપ મુક્યો હતો કે, આ બિલ થકી કેન્દ્ર સરકાર બંધારણને ખતમ કરવા માગે છે. એમણે કહ્યું કે, અમને કોપી ૧લી એપ્રિલે બપોરે મળી હતી માટે સૂચનો કઈ રીતે કરવા ? કોંગીના બીજા નેતા વેણુ ગોપાલે કહ્યું હતું કે, સરકાર ધરાર આ કાયદો દેશ પર ઠોકી બેસાડવા માગે છે. આ ગેરબંધારણિય છે.
બિલ મુસ્લિમો માટે અને સરકાર એમને જ સાંભળતી નથી: અખિલેશ
સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવે આ બિલનો વિરોધ કરીને એમ કહ્યું હતું કે, આજે સૌથી મહત્વનો મુદ્દો ચીનની કબજાવાળી જમીનનો છે. વકફ બિલની પાછળ સરકારની નીતિ અને દાનત બન્ને ખોટા છે. ભાજપ સરકાર દરેક મોરચે નાકામ છે. આ બિલ મુસ્લિમો માટે છે અને સરકાર એમની જ વાત સાંભળવા આજે તૈયાર નથી તે ખુબ આશ્ચર્ય છે.
વકફ બોર્ડ ભ્રષ્ટાચારનો અડ્ડો: અનુરાગ ઠાકુર
ભાજપના સાંસદ અને મંત્રી અનુરાગ ઠાકુરે વકફ બિલની તરફેણ કરીને કહ્યું હતું કે, વકફને બદલવાનો આ જ યોગ્ય સમય છે. વકફ બોર્ડ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. હવે મોગલિયા ફરમાન નહીં ચાલે. વકફ બોર્ડ ફક્ત ૨૦૦ લોકોના હાથમાં છે. આ બિલ કોઈ ધર્મની વિરૂધ્ધમાં નથી. દેશભરમાંથી બિલને ટેકો મળી રહ્યો છે. આ બિલ નહીં એક આશા છે.
કોંગીની સરકારમાં ચર્ચા વિના કામ થતું હતું: અમિત શાહ
ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદોના સરકાર પર આરોપનો તુરંત જ જવાબ આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો હતો અને એમ કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારના જમાનામાં તો સમિતિ પોતાની મેળે જ મંજૂરીની મહોર મારી દેતી હતી. અમે તો જેપીસી બનાવી તેનો રિપોર્ટ લીધો, કેબિનેટે મંજૂરી આપી, સૌ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બિલ રજૂ થયું છે. આમાં પોઈન્ટ ઓફ આર્ડર તો ક્યાંય ટકતો જ નથી.
કબજો કરનારા જ બિલનો વિરોધ કરે છે: જનતાદળ યુ
ચર્ચા દરમિયાન વકફ બિલને ટેકો આપીને જનતા દળ યુના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંઘે એમ કહ્યું હતું કે, સંપત્તિઓ પર કબજો કરનારા જ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ મુસ્લિમ વિરોધી નથી. દેશના ગરીબ મુસ્લિમો વડાપ્રધાનની સાથે ઉભા છે અને આ બિલ મુસ્લિમોના હિતમાં છે માટે અમે તેને ટેકો આપ્યો છે. આ બિલથી મુસ્લિમ મહિલાઓને પણ ઘણો ફાયદો મળવાનો છે.