ગઠિયાએ તો ભારે કરી !! બીયારણ ખરીદીના નામે રાજકોટના વેપારીને ‘મામું’ બનાવી લાખો રૂપિયા પડાવ્યા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનલ ડાઈ એન્ડ પ્રિન્ટીંગ વર્કસના નામે સાડીનું છાપકામ કરવાનું કારખાનું ધરાવતાં વેપારીને બીયારણ ખરીદીના નામે `મામું’ બનાવી ગઠિયાએ 31.48 લાખ ઉસેડી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે રાહુલ મથુરાદાસ જોગી (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 25-10-2024ના ફેસબુક મેસેન્જર આઈડી ઉપર `એલેક્સાઈ નાડિયા’ નામની આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો અને તેમાં વોટસએપ નંબર 447776900039 નંબર પણ આપ્યો હતો. આ પછી તે આઈડીધારકે રાહુલને કહ્યું હતું કે તે એક કંપનીમાં નોકરી કરે છે અને તેની કંપનીને બીયારણની જરૂર છે જે ભારતમાં લેવાનું છે. આમ કરીને તેણે રાહુલને એક્સપોર્ટનો વ્યવસાય કરવા માટે લાલચ આપી હતી સાથે સાથે તેને જે જોઈતું હતું તે બીયારણ ભારતની કંપનીમાં જ બને છે એટલે તેણે બિયારણ કંપની ચાહમાં ટ્રેડર્સનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ નંબર અંનીથા જૈન નામની વ્યક્તિનો હોય તેની સાથે રાહુલે વાત કરી પ્રતિ 100 ગ્રામ 62936ના ભાવે 300 ગ્રામ બિયારણની ખરીદી કરી હતી.
આ પછી 17-11-2024ના રાહુલના ઘેર 300 ગ્રામ બિયારણ આવ્યું હતું. બિયારણ આવી ગયાની જાણ એલેક્સાઈ નાડિયા નામના આઈડીધારકને કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે કંપનીના મી.સ્મીથ ભારત આવી ગયા છે એટલે આગળના સોદા બાબતે તેની સાથે વાત કરવાની રહેશે. સ્મિથનો નંબર મળ્યા બાદ તેના સાથે વાત કરતાં તેણે કટકે કટકે બિયારણની ખરીદી કરાવી હતી અને રાહુલે તે ખરીદીના પૈસા ભરપાઈ કર્યે રાખ્યા હતા. આ રીતે તેણે 31,48,900 રૂપિયાનું બિયારણ ખરીદીને તેના પૈસા અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ભરપાઈ કરી દીધા બાદ કશું જ વળતર નહીં મળતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અત્રે એ વાત પણ નોંધનીય છે કે જો કોઈ કંપનીને બિયારણ અથવા એક્સ, વાય, ઝેડ કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તે પોતે પોતાની રીતે ન ખરીદી શકે ? શા માટે કોઈ બીજી-ત્રીજી વ્યક્તિને વચ્ચે રાખીને ખરીદી કરાવે ? આ વાત રાહુલના ધ્યાન પર ન આવી અને તેણે 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવી પડી હતી.