રાજ્યમાં લઘુતમ વેતન દરમાં નિર્વાહ ભથ્થામાં દૈનિક 45.50 રૂપિયાનો વધારો
રાજ્યના લાખો કોન્ટ્રાકટર બેઇઝ કર્મચારીઓને થશે ફાયદો
રાજ્યના શ્રમ નિયામક દ્વારા આગામી 6 માસ માટે ભથ્થા સહિત વેતન ચૂકવવા આદેશ કર્યો
મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાને રાખી રાજ્યના શ્રમ નિયામક દ્વારા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ચુકવવામાં આવતા લઘુતમ વેતનદરમાં નિર્વાહ ભથ્થામાં દૈનિક રૂપિયા 45.50 વધારો કરવા નિર્ણય કર્યો છે. આ નિર્વાહ ભથ્થું આજથી અમલી બનાવવામાં આવ્યું છે. નિર્વાહ ભથ્થામાં થયેલ વધારો તા.01-04-2025થી તા.01-09-2025 સુધી નક્કી કરી તમામ કોન્ટ્રાકટરોને શ્રમિકોને નક્કી કરેલા લઘુતમ વેતન ઉપરાંત વધારાનું ભથ્થું ચુકવવા આદેશ કર્યો છે.
ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતન દરમાં વર્ષ 2023માં વધારો 441 રૂપિયાથી લઈ 474 રૂપિયા સુધી કર્યા બાદ રાજ્યના શ્રમ આયુક્ત દ્વારા પ્રવર્તમાન સમયમાં મોંઘવારી જોતા કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ કામદારોને ચુકવવામાં આવતા લઘુતમ વેતન ઉપરાંત જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવા ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યના શ્રમ નિયામકના પરિપત્ર મુજબ તમામ શ્રમિકોને તા.01-04-2025થી તા.01-09-2025 સુધી લઘુતમ વેતન ઉપરાંત રૂ.45.50 જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ કરાયો છે.
વધુમાં શ્રમ આયુક્ત દ્વારા નક્કી કરાયેલ 46 અનુસૂચિત વ્યવસાયમાં શિપબ્રેકીંગ, સ્વીપીંગ અને ક્લિનીંગ સહિતના કામ માટે રૂપિયા 45.50 જીવન નિર્વાહ ભથ્થું આપવાની સાથે ઈટ ઉત્પાદન, જરી ઉદ્યોગ, રેડીમેઈડ ગારમેન્ટ, મીઠા ઉદ્યોગ, તમાકુ અને બીડી ઉદ્યોગ તેમજ કૃષિ વ્યવસાયમાં દૈનિક રૂપિયા 131 જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં મોટાભાગના કોન્ટ્રાકટરો કામદારોનું શોષણ કરે છે તે જગજાહેર છે ત્યારે શ્રમ નિયામકે જાહેર કરેલ ભથ્થા વધારા કામદારોને મળશે કે કેમ તે અંગે પણ શંકાના વાદળો ઘેરાયા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મહાનગરો અને પાલિકા વિસ્તારમાં કામ કરતાં કુશળ કર્મચારીઓનું દૈનિક વેતન લઘુત્તમ 474 રૂપિયા જ્યારે અર્ધ કુશળ કર્મચારીઓનું વેતન 462 તથા બિન કુશળ કર્મચારીઓનું વેતન 452 રૂપિયા રહેશે. આ સિવાયના તમામ વિસ્તારોમાં કુશળ કર્મચારીનું દૈનિક વેતન લઘુત્તમ 462 રૂપિયા, અર્ધ કુશળ માટે 452 રૂપિયા જ્યારે બિન કુશળ કર્મચારીને 441 રૂપિયા ચૂકવવામાં આવે છે.આ સંજોગોમાં શ્રમ આયુક્ત કચેરી દ્વારા જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ કરવામાં આવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ફાયદો થશે. જો કે,શ્રમ નિયામકના આદેશ મુજબ કોન્ટ્રાકટરો વધારાના ભથ્થા ચુકવશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થયા છે.