અમેરિકા હુમલો કરે તો અમે પણ મિસાઈલો તૈયાર જ રાખી છે: ઈરાનનો વળતો હુંકાર
ઈરાન જો તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવે નહીં અને પરમાણુ સંધિ ન કરે તો મહાભયાનક હુમલો કરવાની ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાને પણ વળતા હુમલા કરવાનો હુંકાર કર્યો હતો. રાજ્યની માલિકીના તહેરાન ટાઈમ્સના અહેવાલમાં, વિશ્વભરમાં અમેરિકાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે તેવી મિસાઈલ ઈરાની સુરક્ષા દળોએ ભૂગર્ભમાં તૈયાર રાખી હોવાનો દાવો કર્યો હતો. બંને દેશો વચ્ચેના આ તણાવને કારણે મધ્ય પૂર્વમાં ફરી એક વખત અશાંતિ સર્જાવાનો ખતરો તોળાઈરહ્યો છે.
રવિવારે ટ્રમ્પે અમેરિકી નેટવર્ક એનબીસી ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં ઈરાનને ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું હતું,” જો ઈરાન અમેરિકાની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને અભૂતપૂર્વ બોમ્બમારાનો સામનો કરવો પડશે. અને એ એવો બોમ્બમારો હશે જેવો તેઓએ પહેલાં ક્યારેય નથી જોયો.” આ ઉપરાંત તેમણે ઈરાન અને તેની સાથે વેપાર કરતા રાષ્ટ્ર ઉપર ટેરિટ લાદવાની ધમકી પણ આપી હતી.
તેમની આ ચેતવણીના બીજા દિવસે ઇરાને જણાવ્યું કે અમેરિકાના કોઈપણ પગલાનો જડબાતોડ જવાબ દેવા માટે ઈરાન સંપૂર્ણપણે સજ્જ અને સક્ષમ છે. અમેરિકી હુમલાને ખાળી શકે અને વિશ્વભરના અમેરિકી થાણા ઉપર હુમલો કરી શકે તેવી મિસાઈલો તૈયાર હોવાનું ઇરાને જણાવ્યું હતું.
નોંધનીય છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંના સમયમાં ઈરાન સાથે થયેલી પરમાણુ સંધિમાંથી ટ્રમ્પે અમેરિકાને દૂર કરી નાખ્યું હતું. ત્યારબાદ ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો અને હવે તે પરમાણુ બોમ્બ બનાવવાની કગાર પર આવી ગયું છે. અત્રે યાદ કરવું જરૂરી છે કે જો બાઇડેને તેમના કાર્યકાળ દરમિયાન એ સંધિ પુનઃજીવિત કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં અસફળતા મળી હતી. હવે ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને પરમાણુ કાર્યક્રમ અટકાવીને એ સંધિ પુનઃજીવિત કરવા અનુરોધ કર્યો છે.જો કે
ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનએ
વોશિંગ્ટન સાથે સીધી વાટાઘાટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સાથે જ તેમણે ઓમાનની
મધ્યસ્થી વળે પરોક્ષ વાટાઘાટો શક્ય હોવાનું જણાવ્યું હતું.