બુટલેગરે સરકારી જમીન પર બનાવ્યું હતું મકાન : પોલીસે બે બાંધકામ તોડાવ્યા
શાપર (વેરાવળ), પાટણવાવમાં પોલીસે બે બાંધકામ તોડાવ્યા : “બૂટલેગરે સરકારી જમીન પર બનાવેલા મકાન દૂર કરાવાયા
રાજકોટ જિલ્લા પોલીસે પણ અસામાજિક તત્વો સામે આળશ મરડીને એક્શન લેવા માંડી છે. અસામાજિક તત્વો જાતે જ પોતાના ગેરકાયદે બાંધકામો દૂર કરી રહ્યા છે અને કોઈક સ્થળે પોલીસ બૂલડોઝર ફેરવી નાખે છે. મેટોડા, વિંછીયા બાદ પાટણવાવ તથા શાપર (વેરાવળ) માં પોલીસે સરકારી જમીન પર ઉભેલા બે બાંધકામો દૂર કરાવ્યા છે.
પાટણવાવમાં પીઆઈ આર.બી. વાઘીયા તથા સ્ટાફે કલાણા ગામે સંજય દલુભાઈ સોલંકી નામના બૂટલેગર સામે લાલ આંખ કરતાં તેણે જાતે જ સરકારી જમીન પર બનાવેલું બાંધકામ તોડી પાડયું છે. આ ઉપરાંત પોલીસે બે વીજ જોડાણ દૂર કર્યા છે. જ્યારે શાપર-વેરાવળમાં
પીઆઈ આર.બી. રાણાની રાહબરીમાં સ્ટાફે દારૂ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલા નામીચા શખસ જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ માંડલિકનું સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડી દબાણ દૂર કર્યું છે.