ગરમીમાં શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર : આજથી ત્રણ દિવસ તાપમાન નીચું રહેશે
આજથી ત્રણ દિવસ સુધી ગરમીમાં રાહત મળવાના અણસાર હવામાન વિભાગે આપ્યા છે. બીજી તરફ મંગળવારે આણંદમાં હિટવેવની ચેતવણી વચ્ચે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં ગરમીમાં આંશિક રાહત વચ્ચે મહત્તમ તાપમાન ૪૦.૭ડિગ્રી રહ્યું હતું. સાથે જ રાજ્યના સાત જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો હતો.
રાજ્યમાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો ઉંચે ચડયા બાદ આજથી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં રથી ૩ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાંથી ફૂંકાઈ રહેલા પવનને કારણે આગામી ત્રણ દિવસ તાપમાન નીચું રહેશે.
બીજીતરફ મંગળવારે આણંદમાં હિટવેવની સ્થિતિ રહેવાની ચેતવણી વચ્ચે રાજ્યમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે ડાંગ અને રાજકોટમાં ૪૦.૭, ડીસા, વડોદરા અને ગાંધીનગરમાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૩, ભાવનગરમાં ૩૮.૭, ભુજમાં ૩૮.૪, કંડલામાં ૩૭, પોરબંદરમાં ૩૬.૨ અને જામનગરમાં ૩૪.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
