પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો જલવો : 4 વિકેટે મેળવી શાનદાર જીત, સતત 13મી સીઝનમાં પહેલી મેચમાં મુંબઈ હારી
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL-18ની શરૂઆત જીત સાથે કરી હતી. ચેન્નાઈના ચેપોક ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. ચેન્નાઈની ટીમે સીઝનની પહેલી જ મેચમાં પોતાની તાકત બતાવી હતી તો મુંબઈ સતત ૧૩મી સીઝનમાં પોતાની પહેલી મેચમાં હાર્યું હતું.
ચેન્નાઈએ પહેલા બોલિંગ અને પછી શાનદાર બેટિંગથી મુંબઈને પરાસ્ત કર્યું હતું.સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી વેધક બોલિગથી મુંબઈને ફક્ત ૧૫૫ રનના સ્કોર પર રોકી દીધું હતું.જવાબમાં ચેન્નાઈએ પાંચ બોલ બાકી રાખી ૧૫૬ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ રીતે તેણે પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું ખાતું પણ ખોલાવ્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ ટાર્ગેટને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પીછો સરળ બનાવ્યો. ઋતુરાજ ગાયકવાડે ૨૦૨ ના સ્ટ્રાઇક રેટથી ર૬ બોલમાં ૫૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રચિને ૧૪૪ ના સ્ટ્રાઇક રેટથી ૪૫ બોલમાં અણનમ ૬૫ રન બનાવી ટીમની જીત નિશ્ચિત કરી હતી. જો કે આ મેચનો હીરો નૂર અહેમદ હતો. તેની વેધક બોલિંગને કારણે જ મુંબઈ મોટો સ્કોર બનાવી શક્યું નહોતું. નૂર એહમદે મહત્વપૂર્ણ ચાર વિકેટ ખેડવી હતી.