શનિવારથી રવિ તપશે, રાજ્યભરમાં રાજકોટ સૌથી ગરમ
48 કલાક બાદ 2થી 3 ડિગ્રી ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ચારેક દિવસથી ગરમીનો પારો નીચે ઉતરી રહ્યો છે ત્યારે આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, ગુરુવારે પણ સમગ્ર રાજ્યમાં રાજકોટ 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.
પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનને કારણે હાલમાં રાજ્યમાં ગરમીમાં મહદઅંશે રાહત જોવા મળી રહી છે. જો કે, આગામી 48 કલાક બાદ એટલે કે શનિવારથી રાજ્યમાં વાતાવરણ થોડું ગરમ થવાની સાથે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 37.4 ડિગ્રી નોંધાઈ હતી. જયારે ડીસામાં 36.7, વડોદરામાં 36.4, અમરેલીમાં 36, ગાંધીનગર અને અમદાવાદમાં 35.8, ભુજ અને દીવમાં 35.5, કંડલા અને સુરતમાં 35.4 તેમજ પોરબંદરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
