રાજકોટમાં મહિલાને કારચાલકે મારી ઈરાદાપૂર્વક ટક્કર ?? મહિલાને ફૂટબોલની જેમ ફંગોળી હોવાના CCTV વાયરલ
રાજકોટમાં હજુ થોડા દિવસ પહેલા જ વાહનચાલકે અકસ્માત સર્જીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. વાહનચાલકોની બેદરકારીના કારણે અનેકવાર સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં રસ્તા પર ચાલતી મહિલાને કારે ટક્કર મારી હોવાના સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે. કાર ચાલકના જણાવ્યા અનુસાર આ એક અકસ્માત હતો જ્યારે મહિલાને ઈરાદાપૂરક ટક્કર મારી હોવાનો ભોગ બનનારનો આક્ષેપ છે. ત્યારે ડરના કારણે પરિવાર કોઈ ફરિયાદ કરી રહ્યો નથી.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના મવડી વિસ્તારની છે જ્યાં અકસ્માતના સામે આવેલા CCTVમાં દેખાય છે કે મહિલા રોડ પર શાંતિથી જઈ રહી છે. ત્યારે પાછળથી એક સ્વીફટ કાર આવે છે અને મહિલાને અડફેટે લે છે. આ અકસ્માત હોવાનું કાર ચાલક કહી રહ્યો છે જ્યારે ભોગ બનનાર મહિલા હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી રહી છે. આ ઘટનામાં મહિલાને ઈરાદાપૂર્વક ટક્કર મારી કે અકસ્માત હતો તે તપાસનો વિષય બન્યો છે. જોકે ડરના માર્યા મહિલાના પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. આ ઉપરાંત કારની ટક્કરના સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં આ ઘટના 9 માર્ચે ઘટી હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતનો ભોગ બનનાર મહિલાનું મહત્વનું નિવેદન
મવડી વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનનાર મહિલાએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે આ એક અકસ્માત નથી, પરંતુ પૂર્ણપણે હત્યાનો પ્રયાસ છે. મને મારી નાખવાની ગણતરીએ જ ગાડીના ચાલકે મને અડફેટે લીધી છે. કારણ કે સામાન્યપણે કોઈપણ અકસ્માત થાય તો તે વાહન પર નંબર પ્લેટ અવશ્ય હોય છે. જ્યારે મને ટક્કર મારનાર કારમાં કોઈ નંબર પ્લેજ નથી અને આ ગાડીમાં તમામ કાચ બ્લેક છે. કારમાં બારીઓ પર બ્લેક ફ્રેમ નાખવા પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. ત્યારે નંબર પ્લેટ વગરની કાર અને બારીઓ પર બ્લેક ફ્રેમ શું દર્શાવે છે?