રાજકોટમાં તસ્કરે ઉપાડો લીધો : અગાસી પર દોરડું બાંધ્યું, તેના પર લટકી ચોથા માળે ઓફિસનો કાચ ફોડી 10.81 લાખની ચોરી
- ગેલેક્સી હોટેલ સામે મારૂતિ કોમ્પલેક્સના ચોથા માળે મીના ગોલ્ડ બાયર નામની ઓફિસમાં તસ્કર ત્રાટક્યોઃ રિપેરિંગ માટે આવેલા ઘરેણા તેમજ રોકડની ચોરી
ટોપી પહેરેલો શખ્સ કેમેરામાં કેદઃ 13 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં વધુ એક તસ્કરીથી પોલીસની શાખ સામે પડકાર
રાજકોટમાં તસ્કરોએ જાણે કે ‘ઉપાડો’ લીધો હોય તેમ દરરોજ પચ્ચીસ-પચાસ હજારની ચોરીની સાથે જ હવે લાખો રૂપિયાની ચોરીઓ પણ થવા લાગી છે. ગત ૯ માર્ચે દિવાનપરા મેઈન રોડ પર મનાલી ટેક્સટાઈલ નામની સાડીની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી ૧૩.૬૨ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ૧૭ માર્ચે જવાહર રોડ પર ગેલેક્સી હોટેલ સામે આવેલા મારૂતિ કોમ્પલેક્સમાં મીના ગોલ્ડ બાયર નામની ઓફિસમાં તસ્કરે ત્રાટકીને ૧૦.૮૧ લાખના ઘરેણા-રોકડ ચોરી કરી લેતાં પોલીસ દોડતી થઈ જવા પામી હતી.
આ અંગે ઓફિસમાલિક ધવલ અશોકભાઈ નાગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લા છથી સાત વર્ષથી મારૂતિ કોમ્પલેક્સના ચોથા માળે ઓફિસ નં.૪૧૨ ધરાવે છે. અહીં તે ભાગીદારીમાં સોના-ચાંદીની ખરીદીનો વેપાર કરી રહ્યા છે.

દરમિયાન ૧૫ માર્ચે આઠેક વાગ્યે ઓફિસ બંધ કરી ધવલ ઘેર ચાલ્યો ગયો હતો. બીજા દિવસે રવિવાર હોવાથી ઓફિસ બંધ રાખી હતી. જ્યારે ૧૭ માર્ચે સવારે પોણા દસ વાગ્યે ઓફિસમાં આવ્યા તો અંદથી ૧૦.૧૧ લાખનું ૧૫૮.૮ ગ્રામ સોનું કે જે ઓફિસની અંદર ટેબલના ડ્રોવરમાં રાખ્યું હતું તે અને ૭૦ હજારની રોકડ ગાયબ જણાયા હતા. આ પછી ધવલે તુરંત જ ભાગીદાર ઉપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાને જાણ કરતાં તે પણ દોડી આવ્યા હતા.

ઓફિસમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં ૧૭ માર્ચે રાત્રે ૧:૩૧ વાગ્યે ટોપી પહેરેલો, લાંબા વાળા તેમજ આછી દાઢી-મૂંછવાળો શખ્સ હાથમાં મોબાઈલ ફોન લઈને ઓફિસમાં ઘૂસ્યો હતો અને તેણે જ ચોરી કરી હોવાનું દેખાઈ આવતાં પોલીસે કેમેરામાં દેખાતાં શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે તસ્કર ઓફિસમાં ઘૂસવા માટે પહેલાં અગાસી કે જે પાંચમા માળે આવેલી છે ત્યાં ચડયો હતો. અહીં દોરડું બાંધીને તેના મારફતે ચોથા માળે ઓફિસમાં ઘૂસી ચોરી કરી હતી.
બારી ફોડતી વખતે થઈ ગયો લોહીલુહાણ
પાંચમા માળે અગાસીમાં દોરડું બાંધી ચોથા માળે આવેલી ઓફિસમાં તસ્કર ઘૂસ્યો ત્યારે અંદર પ્રવેશવા માટે જાડો કાચ આડો આવતાં તસ્કરે તેને ફોડી નાખ્યો હતો. જો કે કાચ ફોડતી વખતે તે પણ લોહીલુહાણ થઈ ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કાચ ફોડતી વખતે તેને લોહી નીકળ્યું હતું જેના ડાઘ ચોરી થઈ તે ઓફિસમાં જોવા મળ્યા હતા સાથે સાથે ફૂટેલા કાચના ટુકડા પણ ધ્યાન પર આવ્યા હતા.