બુલડોઝર બાદ હવે પોલીસનું વીજ એક્શન
ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગરના ઘેર વીજ ચોરી પકડી પડાઈ
ડીવાયએસપી અને ટંકારા પીઆઈએ પડધરી વીજતંત્રની ટીમને બોલાવી વીજ જોડાણ કટ્ટ કરાવ્યું
રાજકોટ : 100 કલાકમાં અપરાધીઓની ક્રાઇમ કુંડળી કાઢવાના ડીજીના આદેશ પહેલા જ મોરબી જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને પોલીસ ઉપર હુમલો કરનારા આરોપીઓની શું દશા થાય તેનો સ્પષ્ટ સંદેશ આપી માળીયા મિયાણામાં બુલડોઝર એક્શન બાદ હવે ટંકારામાં પોલીસે અપરાધીઓને વીજ ઝટકા રૂપે ગેરકાયદેસર વીજ જોડાણ લેનાર બુટલેગરના ઘરનું ગેરકાયદેસર વીજ જોડાણ કપાવી નાખી લાખોનો દંડ ફટકારવા માટે વીજ તંત્ર મારફતે કાર્યવાહી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા અને જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા નામના બે સગાભાઇઓ વિરુદ્ધ પોલીસે વિદેશી દારૂ અંગેની કાર્યવાહી કરતા પોલીસ સાથે સંઘર્ષનો બનાવ બન્યો હતો. વધુમાં આ બન્ને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ થયેલ હોય ડીવાયએસપી સમીર સારડા તેમજ ટંકારા પીઆઇ કે.એમ.છાશિયા સહિતની પોલીસ ટીમ આરોપીનું ઘર ચેક કરવા જતા બુટલેગરના ઘરમાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ માળીયા મિયાણામાં પોલીસ ઉપર હુમલાના બનાવમાં બુલડોઝર એક્શન લેનાર મોરબી પોલીસે જોધપર ઝાલા ખાતે બુટલેગરના ઘેર ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું સામે આવતા તુરત જ પડધરી પીજીવીસીએલની ટીમને બનાવ સ્થળે બોલાવી હતી અને પીજીવીસીએલના અધિકારી ડી.જે.મનાત, એન્જિનિયર અને કે.જે.કોચરા સહિતની ટીમે ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરી દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી જેમાં બુટલેગર બંધુઓને એક લાખ જેટલો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.