મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કાલા જાદુ !!
ટ્રસ્ટીની ચેમ્બરમાં નીચેથી હાડકા, ખોપડી, વાળ, ચોખાના દાણા મળી આવ્યા
મુંબઈસ્થિત મશહૂર લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ એવો દાવો કર્યો છે કે, હોસ્પિટલનાં કેમ્પસમાં કાલા જાદુ કરવામાં આવતું હોવાના પુરાવા મળ્યા છે. તેમણેએવો દાવો પણ કર્યો છે કે, હાલના ટ્રસ્ટીઓના કાર્યાલયના ફર્શની નીચે આઠ કળશ મળ્યા છે અને તેમાં માણસોનાં હાડકા, ખોપડી, વાળ, ચોખાના દાણા અને તાંત્રિક વિધિને લગતી વસ્તુઓ મળી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક પૂર્વ કર્મચારીએ આપેલી માહિતી પછી ખોદકામ કરવામાં આવ્યું હતું અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. હોસ્પિટલનાં ટ્રસ્ટે તેના પૂર્વ ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં ૧૨૫૯ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યા પછી આ આખો મામલો બહાર આવ્યો હતો. પૂર્વ ટ્રસ્ટીઓએ તેની સામેના આરોપોને ફગાવ્યા હતા.
લીલાવતી હોસ્પિટલનાં સંસ્થાપક કિશોર મહેતાના ભાઈ વિજય મહેતા, તેના સગા સંબંધીઓ અને સહયોગીઓ વિરુદ્ધ કથિત રીતે આર્થિક ગોટાળા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ ટ્રસ્ટીઓ સામે ટેક્સ ચોરીની ફરિયાદ પણ થઇ હતી. ઇડીમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ ટ્રસ્ટીઓ હાલમાં યુ.એ.ઈ. અને બેલ્જીયમ ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યુ છે.
આ સિવાય મહારાષ્ટ્ર કાલા જાદુ વિરોધી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, વિજય મહેતાના પુત્ર ચેતન મહેતાએ કાલા જાદુનાં આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે કે, આવા આક્ષેપ જવાબ આપવા લાયક પણ નથી. માત્ર સનસનાટી ફેલાવવા માટે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના ટ્રસ્ટીઓએ જ હોસ્પિટલના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓએ રૂ. 1500 કરોડ ચાંઉ કર્યાનો આરોપ લગાવ્યો છે. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડ્સના ફોરેન્સિક ઓડિટ દરમિયાન ખુલ્લી થયેલી ગેરરીતિએ ટ્રસ્ટની કામગીરી અને બાંદ્રા વિસ્તારમાં સ્થિત પ્રીમિયર ખાનગી તબીબી સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓને અસર કરી છે.