આઇરિશ વડાપ્રધાન સાથેની બેઠક, વેન્સના મોજા અને ટ્રમ્પની ટિપ્પણી
બુધવારે વ્હાઇટ હાઉસમાં આયરલેન્ડના પ્રધાનમંત્રી મિખેલ માર્ટિન સાથે સેન્ટ પેટ્રિક ડે નિમિત્તે યોજાયેલા બ્રેકફાસ્ટ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના શેમરોક-થીમવાળા મોજા પર ટ્રમ્પે કરેલી ટિપ્પણીના કારણે હાસ્યના ફુવારા ઉડ્યા હતા.
બન્યું એવું કે ટ્રમ્પ ડ્રેસકોડ અંગે રૂઢિવાદી વલણ ધરાવે છે.હવે આ બેઠકમાં તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ
‘ શેમરોક – થીમવાળા’ મોજા પહેરીને આવ્યા હતા અને ટ્રમ્પ વારંવાર એ મોજા સામે જોયે રાખતા હતા.એ દરમિયાન મોંઘવારીની ચર્ચા કરતાં કરતાં કરતા તેઓ અટકી ગયા અને મોજા તરફ એકીટશે નિહાળીને તેમણે મજાકિયા સૂરમાં વેન્સના પગ તરફ ઈશારો કરીને કહ્યું,” મને આ મોજા ગમે છે. આ મોજાઓ શું છે?” તેમની આ ટિપ્પણી સાંભળી બધા હસી પડ્યા હતા. વેન્સે તેમના મોજાની પસંદગી આઇરિશ મહેમાન અને સેન્ટ પેટ્રિક ડે માટે શ્રધ્ધાંજલિરૂપે હોવાનો ખુલાસો કર્યો હતો.તે પછી પણ ટ્રમ્પે મજાક ચાલુ રાખી.તેમણે
કહ્યું,” હું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હું ઉપપ્રમુખના મોજાઓથી ખૂબ પ્રભાવિત છું,”.
એ વાર્તાલાપ દરમિયાન ઉપસ્થિત બધા ખડખડાટ હસતા રહ્યા હતા અને બે દેશના ટોચના નેતાઓ વચ્ચેની બેઠકમાં ભાગ્યે જ જોવા મળતા હળવા દૃશ્યો સર્જાયા હતા.
જો કે ટ્રમ્પના પરંપરાગત પહેરવેશના આગ્રહને જાણતા ઉપરાષ્ટ્રપતિ વેન્સને આવું કંઈક બનવાનો પહેલેથી જ અંદેશો હતો.એ બેઠકમાં જતા પહેલા તેઓ અને આઇરિશ પ્રમુખ પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેમણે મોજાં દેખાડીને, જો ટ્રમ્પ ઠપકો આપે તો મોજાની પસંદગીને યોગ્ય ગણાવી ‘ બચાવી ‘ લેવા આઇરિશ પ્રમુખને વિનંતી કરી હતી અને ત્યારે પણ હાસ્યની છોળો ઉડી હતી.
શું છે શેમરોક અને વેન્સે કેમ પહેર્યા હતા તે થીમ આધારિત મોજા ?
પાંચમી સદીમાં આયર્લેન્ડના પ્રખ્યાત સંત સેન્ટ પેટ્રિકે આઇરિશ લોકોને ખ્રિસ્તી ધર્મ સમજાવવા માટે ત્રણ પાંદડાંવાળા શેમરોકના છોડનો ઉપયોગ કર્યો હતો. તેમણે શેમરોકના ત્રણ પાંદડાં દ્વારા પવિત્ર ત્રિમૂર્તિ – ફાધર, સન અને હોલી સ્પિરિટનો ખ્યાલ સમજાવ્યો હતો. આ કારણે શેમરોક આયર્લેન્ડમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીક બની ગયું છે. દર વર્ષે 17 માર્ચે ઉજવાતા સેન્ટ પેટ્રિક્સ ડે પર શેમરોકનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો ગૌરવના પ્રતીક સમા શેમરોકની ડિઝાઇનવાળા કપડાં, ઘરેણાં અને અન્ય વસ્તુઓ પહેરે છે. 18મી સદીથી શેમરોક આયર્લેન્ડની રાષ્ટ્રીય ઓળખનો ભાગ બની ગયું છે. તેનો ઉપયોગ બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ થયો હતો અને આજે પણ તે આઇરિશ સૈન્યના ગણવેશ અને રમતગમતની ટીમોના લોગોમાં જોવા મળે છે.શેમરોકના ત્રણ પાંદડાંને આશા, વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.વેન્સે આ મોજાં પહેરીને એક પ્રકારનું સાંસ્કૃતિક સન્માન દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.