World Kidney Day : કિડનીની કાર્યક્ષમતા જાણવા ક્યો બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી ?? માત્ર 7% લોકો જ જાણે છે આ બાબત
વિશ્વ કિડની દિવસ-૨૦૨૫ નું સ્લોગન છે “શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો” છે. આ સંદર્ભે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વિશે અતિ ચિતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા ૧૦૪૨ વિદ્યાર્થીઓમાંથી, માત્ર ૭% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆર ની તપાસ જરૂરી છે.
૯૩% વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! જાગૃતિનો આ નોંધપાત્ર અભાવ વિચાર માંગી લે તેવી કડવી વાસ્તવિકતા છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય છે, પરંતુ ૯૦% કરતા વધુ લોકો તેમના રોગો અંગે અજાણ છે.
નેફ્રોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન વેબસાઈટ (૪૦ ભાષાઓમાં ઉપલબ્ધ) ના સ્થાપક ડૉ. સંજય પંડયા ચેતવણી આપે છે કે આ ચોંકાવનારા સર્વેના પરિણામો સામાન્ય જનતામાં કિડની રોગ અંગેની પ્રાથમિક માહિતી અને જાગૃતિના ગંભીર અભાવ ને દર્શાવે છે. ડોકટરો, કિડની સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસોની અત્યંત વહેલી તકે જરૂરિયાત પર ભાર મૂકતા, વર્ષમાં એકવાર કિડની ચેકઅપને પ્રોત્સાહન આપવું. સીરમ ક્રીએટીનીન અને ઈજીએફઆર જેવી લોહીની સરળ તપાસ વિશે જનજાગૃતિ ફેલાવવી અને કિડની રોગના વહેલા નિદાન માટે તેના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું ડો. પંડયા જણાવે છે.
કિડની ચેકઅપ સરળ-ફકત આટલું કરો
કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદઘતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. દરેક વ્યક્તિ એ જાણવું જરૂરી છે કે પોતાની કિડની કેટલી કામ કરે છે. કિડની ની કાર્ય ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવતી લોહીની તપાસ ક્રીએટીનીન તથા ઇજીએફઆર (eGFR) છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પ્રારંભિક નિશાની હોઈ શકે છે.
દર ત્રણમાંથી 1 ડાયાબિટીક દર્દીને કિડનીનો રોગ થવાનો ભય
વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને ક્રોનિક કિડની ડીસીઝ (સી.કે.ડી.) થવાનો ભય રહે છે. ક્રોનિક કિડની ડીસીઝએ હવે વિશ્વમાં મૃત્યુનું ૮મું મુખ્ય કારણ બની ગયું છે. સી.કે.ડી. ની તકલીફ ધરાવતા ૯૦% લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે. દર ૩ માંથી ૧ ડાયાબિટીસના દર્દીને કિડની રોગ થવાનો ભય રહે છે. ઘણા કેસોમાં ક્રોનિક કિડની ડીસીઝ અટકાવી શકાય છે, પરંતુ જાગૃતિ ઓછી હોવાથી નિદાન મોડું થાય અને સારવારથી ફાયદાની તકો ગુમાવી દેવાય છે.