Rajkotની SOS સ્કૂલમાં રેગિંગ : જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કિશોરને ક્રૂરતાપૂર્વક પટ્ટે-પટ્ટે માર માર્યો, વિડીયો થયો વાયરલ
રાજ્યની શાળામાં રેગિંગની ઘટનામાં વધારો થતો જાય છે. એક અઠવાડિયામાં ત્રીજો બનાવ સામે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ભાવનગર અને પચ્છમ બાદ રાજકોટમાં પણ રેગિંગનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરની SOS સંસ્થામાં સાથી વિદ્યાર્થીઓએ કિશોરને માર મારતા જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તસવીરોમાં જોઈ શકાઈ છે કે વિદ્યાર્થીને કેટલી ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો છે. ત્યારે પરિજનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રેગિંગ મામલે વિદ્યાર્થીનું નિવેદન
આ મામલે પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ‘પહેલાં મને હોસ્ટેલના રૂમમાં બોલાવવામાં આવ્યો અને બાદમાં 7-8 વિદ્યાર્થીઓએ રૂમ બંધ કરી દીધો અને બધાએ મને પટ્ટા અને અન્ય વસ્તુઓથી માર મારવાનું શરૂ કરી દીધો હતો. મારી સાથે જાતિવાચક શબ્દો વાપરીને હિંસા કરવામાં આવી હતી. મારી સિવાય અન્ય બે લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. જે લોકોએ મારી સાથે રેગિંગ કરી તેમાંથી કોઈ સાથે મારી કોઈ માથાકૂટ કે ઝઘડો થયો નહતો. તેમ છતાં મારી સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું.’ આ ઘટના બાદ શાળા અને હોસ્ટેલના સંચાલકો સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે આ મામલે શાળાના સંચાલકો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે આ મામલે શિક્ષણ અધિકારી દ્વારા પણ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું !!
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાનું નિવેદન
વિદ્યાર્થી ધોરણ 8થી રાજકોટની sos સંસ્થામાં અભ્યાસ કરતો હતો જેને પરીક્ષા પહેલા જ્ઞાતી પ્રત્યે હડધૂત કરીને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં પિતા પોતાના બાળકને કેવી રિતે માર મારવામાં આવ્યો છે તે દેખાડી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, હું સુત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવસાયે સરકારી શિક્ષક છું. મારો છોકરો રાજકોટ SOSમાં પાંચ વર્ષથી અભ્યાસ કરે છે. જેને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી, ત્યારે 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કર્યો કે પપ્પા મારે ઘરે આવવું છે. અહીં રહેવું નથી, મારી પરીક્ષા પૂરી થઇ ગઇ છે. મેં સમજાવ્યો પણ એણે જીદ કરી તો મને શંકા ગઇ એટલે હું ત્યાં ગયો. ત્યારે મને જાણ થઇ કે છોકરાને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. છોકરાને જાતિ પ્રત્યે પણ હડધૂત અને વારંવાર ધમકી આપીને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. મને સંસ્થાએ કહ્યું કે તમારે કંઇ કરવાનું થતું નથી.
અમદાવાદ અને ભાવનગરમાં પણ રેગિંગની ઘટના
શનિવારે (9 માર્ચ) અમદાવાદ જિલ્લાના ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરવામાં આવી રહી છે કે, તે પોક મૂકીને રડી રહ્યો છે.
શુક્રવારે (7 માર્ચ) ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા.