અમેરિકી શેર બજારમાં તબાહી; રૂપિયા ૪ લાખ કરોડ ડોલર ડૂબ્યાં
એસએન્ડપી-૫૦૦ ઇંડેક્સ ૨.૭ ટકા તૂટી ગયો : ૧ વર્ષમાં એક દિવસની સૌથી મોટી પછડાટ; અમેરિકી રોકાણકારોમાં ડર અને ગભરાટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ પોલિસીના કારણે અમેરિકામાં આ વર્ષે મંદી શરૂ થવાના સંકેતોએ વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગયા છે. તેણે ગઈકાલે જ 1.7 લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. અમેરિકાનો ડાઉ જોન્સ 2.70 ટકા તૂટ્યો હતો. નાસડેકમાં પણ કડાકો નોંધાયો હતો. અમેરિકાના સ્ટોક માર્કેટમાં નોંધાયેલું ગાબડું ભારતના કુલ જીડીપી તથા શેરબજારની કુલ માર્કેટ કેપના 50 ટકા છે. અમેરિકામાં એક જ માસમાં એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સમાં ૪ લાખ કરોડ ડોલર ડૂબી ગયા છે.
અમેરિકાના રોકાણકારોમાં ભારે ડરનો માહોલ છે. નિષ્ણાતોએ એવી આગાહી કરી છે કે આ પછડાટ જો ચાલુ જ રહે તો બજાર ૫.૫ ટકા સુધી તૂટી શકે છે . એસએન્ડપી-૫૦૦ નું સ્તર ૫૩૦૦ અંક સુધી પડી શકે છે.
અમેરિકાના શેરબજારમાં આ વર્ષે ફેબ્રુઆરીથી ચાલી રહેલી મંદીને ધ્યાનમાં લઈએ તો જેટલું નુકસાન થયુ છે, તે ભારતીય શેરબજારની કુલ માર્કેટ કેપ અને દેશના જીડીપી કરતાં પણ વધુ છે. ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી અમેરિકાની માર્કેટ કેપમાં 4.7 લાખ કરોડ ડૉલરનું ગાબડું નોંધાયું છે. જે ભારતીય શેરબજારની માર્કેટ કેપ (4.50 લાખ કરોડ ડોલર-બીએસઇ )ના 125 ટકા છે. તો આ આંકડો દેશના જીડીપીના ગત વર્ષના સત્તાવાર આંકડાથી વધુ છે.
વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાનો વૈશ્વિક શેરબજારની કુલ માર્કેટ કેપમાં 55 ટકા હિસ્સો છે. અમેરિકાનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ 31.76 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ ધરાવે છે. જ્યારે નાસડેક 30.77 લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટોચનું બીજુ સ્ટોક એક્સચેન્જ છે.