15 વર્ષ બાદ બિગ બી KBCને કહેશે અલવિદા ?? અમિતાભ બચ્ચન બાદ કોણ કરશે શોને હોસ્ટ, આ ત્રણ મોસ્ટ પોપ્યુલર નામ ચર્ચામાં
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બિગ બી તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતીય સિનેમાના સૌથી પ્રિય સ્ટાર્સમાંના એક છે. ‘શોલે’, ‘દીવાર’, ‘ઝંજીર’, ‘પા’ અને ‘પીકુ’ જેવી ફિલ્મોમાં તેમના ઉત્તમ અને યાદગાર અભિનયએ દાયકાઓથી દર્શકોના દિલ જીતી લીધા છે. મોટા પડદા પર ચમકવા ઉપરાંત, તેમણે પ્રખ્યાત શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) હોસ્ટ કરીને ટેલિવિઝન પર પણ પોતાનું નામ બનાવ્યું છે.
બિગ બી 2000 થી ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) નો ચહેરો છે, જ્યારે તેઓ 57 વર્ષના હતા, અને મની કંટ્રોલ અનુસાર, તેઓ આ શો છોડી દેવાની યોજના બનાવી રહ્યા છે. ૮૨ વર્ષની ઉંમરે, અમિતાભ બચ્ચને પોતાનો કાર્યભાર ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલો સૂચવે છે કે તેણે સીઝન 15 દરમિયાન સોની ટીવીને જાણ કરી હતી કે હોસ્ટ તરીકે આ તેનું છેલ્લું વર્ષ હશે. હવે જ્યારે 17મી સીઝન આવવાની છે, ત્યારે નવા હોસ્ટના નામો પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કિંગ ખાન, એશ્વર્યા રાય કે કેપ્ટન કુલ ? કોણ હશે નવા હોસ્ટ ??
હવે નિર્માતાઓએ 17મી સીઝન માટે નવા હોસ્ટની શોધ શરૂ કરી દીધી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ (IIHB) અને એક જાહેરાત એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનના વારસાને આગળ ધપાવી શકે છે. શાહરૂખ ખાનની સાથે, ઐશ્વર્યા રાય બચ્ચન અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાન આ પહેલા પણ આ ક્વિઝ શો હોસ્ટ કરી ચૂક્યા છે તો બીજી તરફ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય પણ આ વારસાને આગળ લઈ જાય તો નવાઈ નહીં. તે સાથે જ સૌથી લોકપ્રિય પ્લેયર માહી પણ હોસ્ટ કરી શકે છે. જોકે KBC ના આગામી હોસ્ટ કોણ હશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.