૪૩ દિ’ પહેલાં પ્રેમીપંખીડા ઉડ્યા, શોધવા ગયેલા પિતા-પુત્ર ગુમ !
એક સાથે ચાર લોકો ગાયબ થતાં પોલીસ ધંધે લાગી
સગીરાના પિતાએ હાઈકોર્ટમાં બબ્બે વખત હેબિયર્સ કોપર્સ કરતાં પોલીસની ચારે બાજુ દોડધામ
રાજકોટમાં એક મોટી ઘટના આકાર લઈ જવા પામી છે. ૪૩ દિવસ પહેલાં ધો.૧૨માં અભ્યાસ કરતી એક સગીરા અને તેનો ૨૦ વર્ષીય પ્રેમી ભાગી ગયા હતા. આ જ દિવસે સગીરાના પિતા યુવકના ઘેર જઈ ફરિયાદ કરતા જ યુવકના પિતા અને ભાઈ પણ આ બન્નેની શોધમાં નીકળી પડ્યા હતા. આ ઘટનાને આટલા દિવસ વીતી ગયા છતાં ચારમાંથી કોઈની ભાળ ન મળતાં પોલીસ રીતસરની ધંધે લાગી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ હર્ષ પટેલે જણાવ્યું હતું કે ગત ૨૬ જાન્યુઆરીએ સુભાષનગરમાં રહેતા મનિષ નામનો ૨૦ વર્ષીય ધો.૧૨માં અભ્યાસ કરતી અને સુભાષનગરમાં જ રહેતી ૧૭ વર્ષીય સગીરાને લઈને નાસી ગયો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. દરમિયાન સગીરાના પિતા મનિષના ઘેર પહોંચ્યા હતા અને મનિષના પિતા અરવિંદ કરશનભાઈ અઘેરા પાસે પહોંચ્યા હતા અને સઘળી હકીકત જણાવતાં અરવિંદ અઘેરાએ સગીરાના પિતાને કહ્યું હતું કે હું અને મારો પુત્ર વિકાસ અઘેરા મળીને બન્નેને શોધીને લાવશું !
આ લોકો ૨૬ જાન્યુઆરીએ જ મનિષ અને સગીરાને શોધવા નીકળી ગયા હતા પરંતુ હજુ સુધી તેમનો પણ કોઈ પતો લાગી રહ્યો ન હોય એક સાથે ચાર-ચાર લોકો ગાયબ થઈ ગયા છે. બીજી બાજુ સગીરાના પિતાએ હાઈકોર્ટમાં બબ્બે વખત હેબિયર્સ કોપર્સ મતલબ કે તેમની પુત્રીને શરીર સાથે હાજર કરવાની અરજી કરતાં યુનિ. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દોડતી થઈ હતી પરંતુ હજુ સુધી કોઈનો પતો લાગ્યો ન્હોતો. જાણવા મળ્યા પ્રમાણે મનિષ કંઈ કામધંધો નહીં કરતો હોવાનું તો તેના પિતા અરવિંદ અઘેરા ઈલેક્ટ્રકનું છૂટક કામ કરતા હોવાનું સામે આવ્યું છે.