એક્ટ્રેસ રાન્યા રાવ કોર્ટમાં રડવા લાગી : DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, સોનાની દાણચોરીમાં કરી’તી ધરપકડ
દુબઈથી સોનાની દાણચોરી કરતી વખતે બેંગલુરુ એરપોર્ટ પર પકડાયેલી અભિનેત્રી રાન્યા રાવને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન, રાન્યા એ DRI (રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ) ના અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. રાન્યા કોર્ટમાં રડી પડી. જ્યારે કોર્ટે તેમને પૂછ્યું કે શું તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે કોઈ શારીરિક ત્રાસ આપવામાં આવ્યો ન હતો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર અને ધમકી આપવામાં આવી હતી. હું આઘાતમાં છું અને ભાવનાત્મક રીતે ખૂબ જ ભાંગી પડી છું. આ અંગે ડીઆરઆઈએ કોર્ટને જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ છે.
રાન્યાએ DRI અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ મૂક્યો
હાજરી દરમિયાન કોર્ટે રાન્યાને ઘણા પ્રશ્નો પૂછ્યા હતાં. કોર્ટે અભિનેત્રીને પૂછ્યું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે તેને પૂછ્યું કે, શું તેણે તબીબી સારવાર લીધી છે? આ સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ ધ્રૂજતા અવાજમાં દાવો કર્યો કે તેને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. રાન્યાએ કોર્ટને કહ્યું કે, ‘જો હું જવાબ નહીં આપું તો તેઓ મને ધમકી આપી છે કે, હું કોર્ટમાં જવાબ નહીં આપુ તો મારી સાથે તેઓ આગળ કંઈ પણ કરી શકે છે.
થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો હતો ?
કોર્ટે રાન્યાને પૂછ્યું હતું કે, શું તેની પૂછપરછમાં થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં રાન્યાએ કહ્યું કે,, ‘મને માર મારવામાં આવ્યો નથી. પરંતુ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.
ડીઆરઆઈએ આરોપોને ફગાવ્યા
કોર્ટમાં અભિનેત્રીની હાજરી દરમિયાન છથી વધુ ડીઆરઆઈ અધિકારીઓ હાજર હતા. રાન્યાના દાવાને ફગાવીને તેણે રાન્યા પર સવાલોના જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન, તપાસ અધિકારી (IO)એ કોર્ટને જાણ કરી હતી કે DRI અધિકારીઓ દ્વારા રાન્યાને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી.
‘અમે રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી છે’
અધિકારીએ કહ્યું, ‘પૂછપરછ દરમિયાન તે કોઈ પણ સવાલનો જવાબ આપી રહી નથી.. જ્યારે પણ અમે પૂછીએ છીએ ત્યારે તે મૌન રહે છે. અમે સમગ્ર તપાસ રેકોર્ડ કરી લીધી છે. IOએ વધુમાં આરોપ લગાવ્યો, ‘જ્યારે તેમને પુરાવા બતાવવામાં આવ્યા હતા અને ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પણ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. કોર્ટમાં દાખલ થતાં જ તેના વકીલોએ તેને શું બોલવું તે અંગે સૂચના આપી હતી.
૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા ઉર્ફે રાન્યા રાવને સોમવારે આર્થિક ગુનાઓ માટેની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. અભિનેત્રી પૂછપરછ માટે ત્રણ દિવસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની કસ્ટડીમાં હતી. ડીઆરઆઈએ જણાવ્યું હતું કે તેમણે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાન્યા રાવ પાસેથી ૧૨.૫૬ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. રાવ ભારતીય પોલીસ સેવા (IPS) ના વરિષ્ઠ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. ડીજીપી રેન્કના અધિકારી રામચંદ્ર રાવ હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.