બામણબોરમાં શરતભંગ મામલે 6 કરોડની જમીન ખાલસા કરવા આદેશ
ઉદ્યોગના નામે જમીન મેળવ્યા બાદ ઉદ્યોગ જ શરૂ ન કર્યો
45 વર્ષ પૂર્વે સરકારે ઔદ્યોગિક હેતુ માટે આપી હતી જમીન, 8 પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમ
રાજકોટ : અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં અને હાલમાં રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ બામણબોર ખાતે 45 વર્ષ પૂર્વે સરકારે ઔધોગિક હેતુ માટે ફાળવેલી જમીન ઉપર લાભાર્થીઓ દ્વારા ઉદ્યોગ સ્થાપવાને બદલે જમીન ખુલ્લી રાખી મુકતા રાજકોટ સીટી-2 આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈને આવા આઠ પ્લોટમાં શરતભંગ કેસ ચલાવી શરતભંગ સાબિત માની અંદાજે 6 કરોડની કિંમતની કુલ 20,000 ચોરસમીટર જમીન સરકાર હસ્તક લેવા આદેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ રાજકોટ તાલુકાના બામણબોર ખાતે રેવન્યુ સર્વે નંબર 191 પૈકીની જમીન વર્ષ 1978-79માં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા ઔદ્યોગિક હેતુ માટે 1000 ચોરસ મીટરથી લઈ 4000 ચોરસ મીટર સુધીના પ્લોટ અનેક લાભાર્થીઓને નવી અને વિક્ર્યાદિત શરતે આપ્યા હતા. જો કે, અગાઉ બામણબોર સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ઠ હતું બાદમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ બામણબોરનો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ અહીં અનેક જમીનો ખુલ્લી પડી હોવાનું અને શરતભંગ થયો હોવાનું રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા મામલતદાર દ્વારા શરતભંગના પગલાં લેવા રિપોર્ટ કર્યો હતો.
વધુમાં બામણબોર ઔદ્યોગિક વિસ્તારમાં અગાઉ પણ રાજકોટ સીટી-2 પ્રાંત અધિકારી દ્વારા અનેક પ્લોટમાં શરતભંગ સાબિત માની ખાલસા કરવા હુકમ કર્યા છે ત્યારે આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન દ્વારા તાજેતરમાં આવા આઠ પ્રકરણમાં શરતભંગ કેસ ચલાવી 1. એન્ડોક લાઇફકેર પ્રા.લી.,2. કિશોરભાઇ જીવરાજભાઇ, 3. નરશીભાઇ લાલજીભાઇ પટેલ,4. જલારામ ઇન્ડસ્ટ્રીઝ, 5.એચ.જય સ્ટીલ અને 6. પાટીદાર ટેક્ષટાઇલ્સ સહિતના લાભાર્થીઓ સામે કેસ ચલાવી શરતભંગ સાબિત માની આઠ પ્લોટની કુલ 20,000 ચોરસમીટર જગ્યા સરકાર હસ્તક લેવા ખાલસા હુકમ કર્યો હતો. આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા 5 કરોડ જેટલી થવા જાય છે.