‘સ્લિમ ફિગર’ની ઘેલછાએ લીધો જીવ !! ઓનલાઈન ડાયેટ ફોલો કરીને વજન ઓછું કરતી 18 વર્ષની યુવતીનું મોત
સોશિયલ મીડીયા બેશકપણે ઉપયોગી છે પણ તેનું આંધળુ અનુકરણ ઘણી વાર કેવા કેવા ભયાનક પરિણામ લાવે છે તે દર્શાવતી એક ઘટના કેરળનાં કન્નુરમાં બની છે. અહીં એક 18 વર્ષની છોકરીનું ડાયેટિંગને કારણે મૃત્યુ થયું છે. જાણવા મળ્યું કે છોકરીએ પોતાનું વજન ઓછું રાખવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી એક ખાસ ડાયેટ પ્લાનનું પાલન કર્યું હતું. આ પહેલા, તેણે વજન વધવાના ડરથી ભોજન પણ છોડી દીધું હતું.
કન્નુરના કુથુપરમ્બાના રહેવાસી શ્રીનંદાનું થલાસેરીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેના છેલ્લા દિવસોમાં, તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી. તેને સારવાર માટે કોઝિકોડ મેડિકલ કોલેજમાં દાખલ પણ કરવામાં આવી હતી. આ યુવતીનાં સંબંધીઓ કહે છે કે શ્રીનંદા વજન વધવાના ડરથી ભોજન છોડી દેતી હતી અને ખૂબ કસરત કરતી હતી. હમણાં હમણાં તો તે લીક્વીડ ડાયેટ ઉપર આવી ગઈ હતી અને ભોજન છોડી જ દીધું હતું.
મૃતક યુવતી મટ્ટાનૂર પઝાસિરાજા એનએસએસ કોલેજમાં ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. તબીબી નિષ્ણાતોના મતે, આ એનોરેક્સિયા નર્વોસાનો કેસ હોઈ શકે છે.
હોસ્પિટલનાં ફીઝીશ્યન ડો. નાગેશ મનોહર પ્રભુના જણાવ્યા અનુસાર, આ ય ઉવ્તીને ૧૨ દિવસ પહેલા ગંભીર હાલતમાં અહી લાવવામાં આવી હતી અને તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવી હતી. તેનું વજન માંડ ૨૪ કિલો હતું. તેનું સુગર લેવલ, સોડીયમ અને બી.પી. ખુબ જ નીચું હતું. તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવી હતી પરંતુ તે બચી શકી નથી.