લલિત મોદીને મોટો ઝટકો : વનુઆતુના વડાપ્રધાને પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો, વાંચો શું છે સમગ્ર મામલો
ભારતમાં આર્થિક અનિયમિતતાના આરોપી, ઇન્ડિયન પ્રીમિયર લીગના ભાગેડુ સ્થાપક લલિત મોદીને આપવામાં આવેલો પાસપોર્ટ રદ કરવાનો વાનુઆત દેશના વડાપ્રધાને આદેશ કરતાં લલિત મોદી માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે.એ પહેલાં લલિત મોદીએ ભારતની નાગરિકતા ત્યાગવા માટે પોતાનો પાસપોર્ટ લંડન ખાતેની ભારતીય રાજદૂત કચેરીમાં જમા કરાવી દીધો હતો.ત્યાર બાદ તેમણે સાઉથ પેસિફિક ઓશન દેશ વાનુઆતુનું નાગરિકત્વ મેળવ્યું હતું પણ હવે એ દેશે પણ તેમનો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કરતા મોદી માટે ન ઘરના કે ન ઘટના જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
વાનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપાટે તેમના દેશના નાગરિકત્વ કમિશનને લલિત મોદીને જારી કરેલ પાસપોર્ટ રદ કરવાની સૂચના આપતા જણાવ્યું હતું કે લલિત મોદીની નાગરિકત્વની અરજી સંદર્ભે ઇન્ટરપોલ સ્ક્રીનીંગ સહિત તમામ નીતિ નિયમો હેઠળ તપાસ કરવામાં આવી હતી.તેમાં તેઓ ક્યાંય દોષિત ઠરેલા ન હોવાનું જણાતા તેમની અરજી મંજૂર કરવામાં આવી હતી. જો કે બાદમાં,જ ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની માંગણી બે વાર નકારી કાઢી હોવાનું જાણવા મળ્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે,” વાનુઆતુ દેશનું નાગરિકત્વ મેળવીને પ્રત્યાર્પણથી બચવાનો લલિત મોદી નો ઈરાદો હતો તેવું સ્પષ્ટ બન્યું છે.
વાનુઆતુ પાસપોર્ટ ધરાવવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી, અને અરજદારોએ કાયદેસર કારણોસર નાગરિકત્વ મેળવવું જોઈએ.અને પપ્રત્યાર્પણથી બચવાનો પ્રયાસ કરવો એ કાયદેસર કારણોમાં સામેલ નથી.” નોંધનીય છે કે ભારત અને વાનુઆતુ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નથી અને એટલે ભારતના કાયદાથી બચવા લલિત મોદીએ એ દેશનું નાગરિકત્વ મેળવ્યું હતુંપણ તેમના એ પ્રયાસનો કરુણ અંજામ આવ્યો છે.
બીજી તરફ લલિત મોદીએ તેમનો ભારતીય પાસપોર્ટ સરેંડર કરવા માટે અરજી કરી હોવાની વાતને વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જૈસવાલે કહ્યું, “લલિત મોદીએ લંડનમાં ભારતીય હાઇકમિશન પાસે પાસપોર્ટ સરેંડર કરવા માટે અરજી કરી છે. તેને વિદ્યમાન નિયમો અને પ્રક્રિયાઓના આધારે તપાસવામાં આવશે. અમને એ પણ જાણ કરવામાં આવી છે કે તેમણે વાનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું છે. અમે કાયદા હેઠળ જરૂરી પગલાં લઈને તેમના વિરુદ્ધનો કેસ ચલાવવાનું ચાલુ રાખીએ છીએ.”
વાનુઆતુમાં 1.35 લાખ ડોલરમાં નાગરિકત્વ: વસ્તી માત્ર 3 લાખની
સાઉથ પેસિફિક ઓશનમાં ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડની થી 2000 કિલોમીટર અને ફ્રાન્સના ન્યૂ કેલેડોનીયા પ્રાંતથી 500 કિલોમીટર દૂર 80 ટાપુઓના બનેલા આ દેશની કુલ વસ્તી માત્ર 3.03 લાખની છે.વાનુઆતુ તેના સ્વચ્છ,શાંત સમુદ્ર તટો અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.આ દેશને હજુ આધુનિકતાનો રંગ લાગ્યો ન હોવાથી તેની પ્રાચીન સંસ્કૃતિ મહદ અંશે જળવાઈ રહી છે.દેશનું અર્થતંત્ર ખેતી તેમજ કોકો અને કોફીની નિકાસ, પર્યટન તેમ જ માછીમારી માટેના લાયસન્સોમાંથી થતી આવક ઉપર નિર્ભર છે.વાનુઆતુની પોતાની મિલિટરી નથી.400 સભ્યોનું મોબાઈલ દળ દેશની આંતરિક કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળે છે.વાનુઆતુ માં 1.35 લાખ ડોલરની કિંમતનું ગોલ્ડન કાર્ડ ખરીદવાથી તથા આર્થિક રોકાણ કરવાથી નાગરિકત્વ મેળવી શકાય છે.