જીએસટી વિભાગમાં જેવું કામ એવો ‘દામ’: 1500થી25,000 સુધીનો ધરવામાં આવે છે “નૈવેદ્ય”
એસ.સી.બી.એ cgstનાં જે ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડ્યા એ તો “પાશેરામાં પૂણી સમાન….”
માત્ર રાજકોટ જ નહીં આખા રાજ્યમાં રજીસ્ટ્રેશનથી લઈને એસેસમેન્ટ, રિફંડ, બોગસ બીલીંગ,ઇ-વે બિલ સુધીની પ્રક્રિયામાં ‘કહેવાતા દલાલ’ અમુક ખાઉધરા અધિકારીઓ સાથે તોલ-માપ કરતાં હોવાનો વ્યાપક ઉઠેલી ફરિયાદો
રાજકોટ જીએસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતાં ઝડપાઇ ગયાના બનાવ બાદ જીએસટીમાં “નૈવેદ” ધર્યા વિના કોઈ પણ કામ થતું ન હોવાની બુમરાણ ઘણાં સમયથી ઉઠી છે.જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારએ અજગર ભરડો લીધો હોય અને આ ખાલી ‘માછલી’ પકડાઈ હોય હજુ ‘મગરમચ્છ’છટકી ગયાં હોય તેવી ચોકાવનારી વિગતો સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વન નેશન વન ટેક્સ હેઠળ સરકારે શરૂ કરેલ જીએસટી દિવસેને દિવસે વધુ જટીલ બનવાની સાથે ભ્રષ્ટાચારનો અખાડો પણ બની રહ્યું છે તેવી ટેક્સ પ્રેક્ટિશનરોમાંથી વ્યાપક ફરિયાદો પણ ઊભી થઈ હતી. વેપારીઓને નવા નંબર મેળવવાથી લઈ રિફંડ સુધીની તમામ પ્રક્રિયાઓ દરમિયાન “કહેવાતા દલાલ”ની મધ્યસ્થીથી તોલ-માપ નક્કી થાય છે.
રાજકોટ જ નહીં પણ ગુજરાતની દરેક જીએસટી કચેરીમાં ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે.આ અંગે આશ્ચર્યમાં મૂકી દે તેવી વિગતો જે લોકો ભોગ બન્યાં છે તેમને દર્શાવી હતી. જેમાં જીએસટીમાં ક્યાં કામનો…કેટલો ભાવ..? નક્કી કરાયો છે તે અહીં દર્શાવ્યો છે.જેમાં જો બોગસ બીલિંગનો કેસ હોય તો 1 લાખ ટેક્સ હોય તો 30થી35 હજાર,10 લાખ હોય તો 3 લાખ,રસ્તામાં જીએસટીના અધિકારીઓ માલ રોકે તો ટેક્સ અને પેનલ્ટી ન લગાડવામાં આવે એ માટે જેટલો ટેક્સ એટલી રકમ… ઉદાહરણ તરીકે એક લાખના માલ પર 18% જીએસટી લગાડવામાં આવે છે જો રસ્તા પર ચેકિંગ કરવામાં આવે અને માલ પકડાઈ તો 100% પેનલ્ટી લાગતી હોય છે,
જ્યારે એસેસમેન્ટ દરમિયાન ટેક્સ ક્રેડિટ મિસમેચ થઈ જતી હોય તો જેટલી રકમ હોય એના 50 ટકા, જીએસટી સિફંટી મેળવવા માટે જો બધું ક્લિયર હોય તો પણ પાંચથી સાત ટકા ‘પ્રસાદ’ધરવો પડે છે. સૌથી વધારે તોડ વેપારી પેઢી માટેના નવા નંબર મેળવે છે ત્યારે ડોક્યુમેન્ટ અને સ્થળ મુલાકાત જતી કરવા માટે ‘કટકી’ કરે છે તો ઇ વે બીલમાં ક્ષતિ હોય તો પણ સરકારી બાબુઓ કાર્યવાહી કરવાના બદલે “મલાઈ” તારવી લેવાની કળા શીખી ગયા છે.
જીએસટીનાં ક્યાં કામ માટે કેટલો “પ્રસાદ” લેવાય છે?
રાજકોટ….1500થી2000…10,000 થી20,000…..1.5 થી2 ટકા
જૂનાગઢ……1000થી1500……7થી10,000…..2-2.5 ટકા
અમદાવાદ….1000થી 5000…..10 થી 12,000……1 થી1.5 ટકા
સુરત………..3000થી5000……15000થી શરૂઆત….1.50ટકા
વડોદરા……7000થી10,000…….20 થી25,000….7 ટકા
ગુજરાતમાં દર વર્ષે 20હજાર કરોડનું રિફંડ, જેના દોઢ ટકા ભ્રષ્ટાચારી અધિકારીઓની તિજોરીમાં…!!!
તાજેતરમાં જ ગુજરાતનાં નામાંકિત સી.એ. દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં દર વર્ષે 20,000 કરોડનું રિફંડ અપાય છે, જેમાંથી દોઢ ટકા ભ્રષ્ટાચારી અધિકારીઓની તિજોરીમાં ઠલવાય છે. આ ચોંકવનારા આક્ષેપોથી ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન ગુજરાતમાં નાણામંત્રાલય દ્વારા અધિકારીઓને ગુજરાતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે જેથી કરીને તેઓ આંતરિક માહિતીઓ એકત્ર કરીને ભ્રષ્ટાચારની સાફ સફાઈ કરી શકે.