પારલે-જી ઉપર આવકવેરાના દરોડા : મુંબઈમાં અનેક સ્થળે તપાસ
૧૯૨૯માં સ્થપાયેલી અને પારલે-જી, મોનેકો અને અન્ય બ્રાંડ નેમથી બિસ્કીટ વેચનારી કંપની પારલે પ્રોડક્ટ ઉપર આવકવેરા વિભાગે ધોંસ બોલાવી છે. શુક્રવારે સવારથી મુંબઈમાં વિલે પાર્લે સહીત અનેક સ્થળે તપાસ શરુ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પારલે પ્રોડક્ટ્સમાં ઈનકમ ટેક્સ વિભાગના ફૉરેન એસેટ યુનિટ અને ઈન્વેસ્ટિગેશન વિંગ તરફથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલ ઈનકમ ટેક્સ વિભાગ કંપનીના ડોક્યુમેન્ટ તપાસી રહી છે.
એક રીપોર્ટ અનુસાર, ૨૦૨૪ના નાણાકીય વર્ષમાં પારલે પ્રોડક્ટ્સનો નફો બમણો થઈને 1,606.95 કરોડ રૂપિયા રહ્યો છે, જે ૨૦૨૩માં માં 743.66 કરોડ રૂપિયા રહ્યો હતો. તેના ગત નાણાકીય વર્ષમાં પારલે બિસ્કિટની ઓપરેશનલ ઈનકમ બે ટકાના વધારા સાથે વધીને 14,349.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે જો રેવન્યુની વાત કરીએ તો આ 5.31 ટકા ઉછળીને 15,085.76 કરોડ રૂપિયા રહી છે.
પારલેની શરૂઆત 1929માં થઈ હતી. 90ના દાયકાના લોકોને તો પોતાનો તે સમય પણ યાદ હશે, જ્યારે ચા સાથે પારલે-જીનું કોમ્બિનેશન સૌથી વધુ ફેમસ હતું. પારલેએ પહેલી વખત 1938 માં પારલે-ગ્લુકો નામથી બિસ્કિટનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. આઝાદી પહેલા પારલે-જી નું નામ ગ્લુકો બિસ્કિટ જ હતું પરંતુ આઝાદી બાદ ગ્લુકો બિસ્કિટનું પ્રોડક્શન બંધ કરી દેવાયું હતું. દેશમાં તે સમયે અન્ન સંકટ તેનું મુખ્ય કારણ હતું કેમ કે આ બિસ્કિટને બનાવવા માટે ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે આ મોટું સંકટ ઓછું થયું તો કંપનીએ તેનું પ્રોડક્શન ફરીથી શરૂ કર્યું પરંતુ ત્યાં સુધી આ સેક્ટરમાં કોમ્પિટીશન ખૂબ વધી ગયું હતું અને તમામ કંપનીઓની માર્કેટમાં એન્ટ્રી થઈ ચૂકી હતી. ખાસ કરીને બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટથી પોતાનો દબદબો જમાવ્યો હતો.
