ભારતની સૌર ઉર્જા ક્રાંતિ : ઉજ્જવળ અને સ્વચ્છ ભવિષ્ય તરફ મક્કમ ડગલું !! જાણો સૌર ઉર્જાના વિસ્તરણમાં પડકારો વિશે
પ્રદૂષણ ઘટાડવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે. ભારતના નવા નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સમાં સૌર ઉર્જાનો હિસ્સો હવે બે તૃતીયાંશ કરતાં વધુ છે, જે દર્શાવે છે કે દેશના ભવિષ્ય માટે તે કેટલું મહત્વપૂર્ણ છે. વર્ષ 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના લક્ષ્ય સાથે, ભારત સૌર ઊર્જા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કારણ કે તેની પાસે પુષ્કળ સૂર્યપ્રકાશ, સસ્તી ટેકનોલોજી, સરકારી સહયોગ અને વધતું જતું વર્કફોર્સ છે. જો કે, સૌર ઊર્જાની સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે પડકારો ઘણા છે અને તેને દૂર કરવાની જરૂર છે.
ભારતની સૌર ઊર્જા સફળતાની ગાથા
ભારતે સૌર ઉર્જાના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે. માત્ર એક દાયકામાં, દેશે માત્ર પોતાના લક્ષ્યો હાંસલ કર્યા નથી, પરંતુ ટાર્ગેટ કરતા વધુ સફળતા મેળવી છે. 2024 સુધીમાં, ભારત 100 ગીગાવોટ (GW) થી વધુ સૌર ઉર્જાની વ્યવસ્થા સ્થાપિત કરશે, જેના કારણે વિશ્વના ટોચના સૌર ઉર્જા ઉત્પાદકોમાં ભારતનું નામ લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, એકલા રાજસ્થાનમાં 24 ગીગાવોટથી વધુની સૌર ઊર્જા ક્ષમતા છે, જે યુનાઇટેડ કિંગડમની સમગ્ર સૌર ઊર્જા ક્ષમતા કરતાં વધુ છે.
૨૦૨૩ થી ૨૦૨૪ દરમિયાન ભારતનું સૌર ઉર્જા ઉત્પાદન ૧૯% વધ્યું છે. દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) દ્વારા વૈશ્વિક પ્રયાસોનું પણ નેતૃત્વ કરી રહ્યું છે, જે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે ઘણા દેશોની ટીમ છે. ISA વિકાસશીલ દેશોમાં સૌર ઉર્જાના વિસ્તરણ માટે $1 ટ્રિલિયનથી વધુ ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં ભારતની અગ્રણી ભૂમિકા દર્શાવે છે.
સૌર ઉર્જાના વિસ્તરણમાં પડકારો
આ સિદ્ધિઓ હાંસિલ કરી હોવા છતાં, ભારતના સૌર ઊર્જા કાર્યક્રમના વિસ્તરણમાં ઘણા પડકારો છે:
- મર્યાદિત ગ્રીડ કનેક્ટિવિટી
ભારતની સૌર ઊર્જા ક્ષમતાનો માત્ર ૧૬% રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડાયેલ છે. આનાથી સૌર ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. રાજસ્થાન અને ગુજરાત જેવા કેટલાક રાજ્યો સૌર ઊર્જાના ક્ષેત્રમાં આગળ છે, પરંતુ અન્ય રાજ્યો, ખાસ કરીને પૂર્વ અને ઉત્તરપૂર્વીય પ્રદેશોમાં, ઘણા પાછળ છે.
- ઊંચા ખર્ચ અને નાણાકીય અવરોધો
મોટા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. સરકાર સબસિડી પૂરી પાડે છે, છતાં ઊંચા વ્યાજ દર અને ચુકવણીમાં વિલંબ થવાના કારણે ખાનગી રોકાણકારો નિરાશ થાય છે. આ ઉપરાંત, સસ્તા સોલાર સેલની પણ અછત છે, જેના કારણે ઉત્પાદકો માટે જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.
- આયાત પર નિર્ભરતા
ભારત પોલિસિલિકોન, વેફર્સ અને સોલાર સેલ જેવા મુખ્ય સૌર ઘટકો માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. હાલમાં, ભારત ૧૧ ગીગાવોટ સોલાર મોડ્યુલનું ઉત્પાદન કરે છે પરંતુ મહત્વપૂર્ણ સામગ્રીના ઉત્પાદન માટે માળખાકીય સુવિધાઓનો અભાવ છે, જેના કારણે ચીન જેવા દેશો પર નિર્ભર રહેવું પડે છે. કોબાલ્ટ, નિકલ અને લિથિયમ જેવા આવશ્યક ખનિજોની પણ આયાત કરવામાં આવે છે, જેના કારણે ભારતના પુરવઠામાં વિક્ષેપ પડવાનું જોખમ વધે છે.
- જમીન અને સમુદાયના મુદ્દાઓ
સૌર ફાર્મ માટે જમીન શોધવી એ એક પડકાર છે, કારણ કે સ્થાનિક સમુદાયો અને ખેડૂતોને જમીન આપવી હોતી નથી. રાજસ્થાનમાં સૌર ઊર્જાના પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીના વિરોધમાં સંઘર્ષ થયો છે અને અમુક પ્રોજેક્ટ્સ રદ પણ થયા છે. આ ચિંતાઓને દૂર કરવા માટે, એક ન્યાયી અને પારદર્શક જમીન સંપાદન પ્રક્રિયા જરૂરી છે.
આ અવરોધોને દૂર કરવા માટે, ભારતે વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂર છે:
મજબૂત નીતિઓ: સરકારે સૌર ઉર્જાના વિકાસને પ્રોત્સાહન આપતી લાંબા ગાળાની નીતિઓ સુનિશ્ચિત કરવી જોઈએ. રાજ્યો વચ્ચે વધુ સારો સહયોગ અને એનર્જી વિષયક ડેટા પણ આમાં મદદ કરશે.
જાહેર-ખાનગી ભાગીદારી: સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે સહયોગથી પછાત વિસ્તારોમાં સૌર ઊર્જાનો વિસ્તાર કરવામાં મદદ મળી શકે છે. સરકાર રોકાણકારોને આકર્ષવા માટે નાણાકીય ગેરંટી પણ આપી શકે છે.
સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું: ભારતમાં સૌર પેનલ અને મહત્વપૂર્ણ સામગ્રીનું ઉત્પાદન કરવાથી આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને ઊર્જા સુરક્ષામાં સુધારો થશે.
કુશળ વર્કફોર્સ સ્કીલ: સૌર પેનલ સ્થાપન, જાળવણી અને ઉત્પાદનમાં કામદારોને તાલીમ આપવાથી ખાતરી થશે કે ભારતમાં તેના વિકસતા સૌર ઉદ્યોગ માટે જરૂરી એવું કુશળ કાર્યબળ ઉપલબ્ધ છે.
સૌર ઊર્જાના ક્ષેત્રમાં ભારતની સફર નોંધપાત્ર રહી છે, પરંતુ પડકારો હજુ પણ ઘણા ઉભા છે. સતત સરકારી સમર્થન, સ્માર્ટ રોકાણો અને મજબૂત જાહેર-ખાનગી ભાગીદારી સાથે, દેશ તેની સૌર ઊર્જા ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. સ્થિર નીતિઓ, સારી માળખાગત સુવિધાઓ અને સમુદાયની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત વૈશ્વિક સૌર ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે અને આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને બેહતર ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે.