IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં વરસાદ વિલન બનશે ?? વરસાદ પડે તો કઈ ટીમ વિજેતા થશે, વાંચો ICC ના નિયમ
ICC Champions Trophy 2025ની ફાઇનલ મેચ 9મી માર્ચ રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ક્રિકેટ ચાહકો આતુરતાપૂર્વક ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે ત્યારે મેચમાં વરસાદનું વિઘ્ન આવે તો કઈ ટીમ વિજેતા થશે ??
જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે તો ઓવરોની સંખ્યા ઘટાડીને મેચ રમાડવામાં આવી શકે છે. ICCના નિયમો પ્રમાણે ફાઇનલ મેચમાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂરી છે. દરેક ટીમને 20-20 ઓવર આપવામાં આવશે. વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં ઓવરની સંખ્યામાં ઘટાડો નિર્ધારિત સમય પછી શરુ થાય છે. જો વરસાદને કારણે આ મેચ રવિવાર 9 માર્ચે ન રમી ન તો તે રિઝર્વ ડે પર રમાશે. ફાઇનલ માટે 10 માર્ચ રિઝર્વ ડે છે.
કઈ સ્થિતિમાં સુપર ઓવર કરાવી શકાય
જો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ડ્રો અથવા ટાઇ થાય તો વિનરનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. સુપર ઓવરના નિયમો પ્રમાણે બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક મળે છે.
અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં વરસાદ
ચેમ્પિયન્સ ટ્રોફીના છેલ્લા આઠ એડીશનમાં, ફક્ત એક જ વાર એવું જોવા મળ્યું છે કે ફાઇનલમાં વરસાદ આવ્યો હોય. વર્ષ 2002 માં, ભારત અને શ્રીલંકા વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
દુબઈમાં વરસાદની શક્યતા કેટલી ?
રિપોર્ટ અનુસાર ફાઇનલ મેચ દરમિયાન દુબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી. મેચના દિવસે આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં, ફાઇનલ દરમિયાન વરસાદ વિલન બને તેવી શક્યતા નહીવત છે.
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલૅન્ડને ગ્રૂપ મેચમાં હરાવ્યું હતું
ભારતે પોતાની તમામ ગ્રૂપ મેચ જીતી હતી. તેણે પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ગ્રૂપ મેચમાં ન્યૂઝીલૅન્ડને પણ હરાવ્યું હતું. ભારતે ન્યૂઝીલૅન્ડને જીત માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની ટીમ 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ ખેરવી હતી. હવે બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં ટકરાશે.