પૂજ્ય જલારામ બાપા વિષે ટિપ્પણીના વિવાદમાં : રાજકોટમાં જ્ઞાનપ્રકાશના પૂતળાને લાતો ફટકારાઈ, 1 મહિલા સહિત 16ની અટકાયત
રાજકોટ : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીને લઈ ચાલી રહેલા વિવાદમાં વડતાલ ટેમ્પલ બોર્ડના દેવસ્વરૂપ સ્વામીએ માફી માંગી લીધા બાદ મામલો થાળે પડયો છે. જો કે,રાજકોટના રઘુવંશી સમાજ દ્વારા ટેલિફોનિક માફી મંજુર ન હોવાનું જણાવી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે જોરદાર વિરોધ કરી જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાને લાતો ફટકારી પૂતળા ધન કરવા પ્રયાસ કરતા પોલીસે 16 લોકોની અટકાયત કરી હતી.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા સુરતમાં એક પ્રવચનમાં પૂજ્ય જલારામ બાપા વિષે અયોગ્ય ટિપ્પણી કરતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મંગળવારે જલારામ ધામ વીરપુર એક દિવસ માટે સજ્જડ બંધ રહ્યું હતું. જો કે, લોહાણા મહાપરિષદ સાથે વાતચીત બાદ વડતાલ ટેમ્પલ બોર્ડના દેવસ્વરૂપ સ્વામીએ લેખિત માફી માંગી લઈ એકાદ બે દિવસમાં સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી માફી માંગશે તેવી સ્પષ્ટતા કરતા મામલો થાળે પડ્યો હતો,
બીજી તરફ રાજકોટના રઘુવંશી સમાજના આગેવાનોએ બુધવારે જાહેર કર્યું હતું કે, પૂજ્ય જલારામ બાપા વિષે અશોભનીય ટિપ્પણી કરી બાદમાં ટેલિફોનિક માફી માંગી લેવાની વાત અમને મંજુર નથી. ગુસ્તાખી કરનાર સ્વામી રૂબરૂ આવીને માફી માંગે ત્યાર બાદ જ સમાજ માફી આપશે. બીજીતરફ લોહાણા સમાજના આગેવાનો શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે વિરોધ કરવા આવી પહોંચ્યા હતા. અહીં લોહાણા સમાજના યુવાનોએ સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળાને લાતો મારી પૂતળું સળગાવવા પ્રયાસ કરતા પોલીસ સળગતું પૂતળું ઠારી વિરોધ કરી રહેલા એક મહિલા સહિત 16 લોકોની અટકાયત કરી હતી.