ટ્રમ્પે ડેમોક્રેટ્સને અંતિમવાદી ડાબેરી પાગલ ગણાવ્યા:સાંસદના સત્રમાં ધાંધલ ધમાલ, કોંગ્રેસના સંયુક્ત સત્રમાં બાઈડેનની ઝાટકણી કાઢી
નવેમ્બર મહિનામાં ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસના સંયુક્ત સત્રને કરેલા સંબોધનમાં ટ્રમ્પે તેમના પુરોગામી પ્રમુખ જો બાઇડેન અને ડેમોક્રેટ્સ ઉપર આકરા પ્રહારો કરતાં એ બેઠક તોફાની બની ગઈ હતી. ટ્રમ્પ સામે વોકિંગ સ્ટિક ચીંધીને દિકરો કરતા એક સભ્યને બળજબરી પૂર્વક સદનની બહાર કાઢવામાં આવ્યા હતા.ટ્રમ્પે બાઇડેન અને ડેમોક્રેટ્સ ને અંતિમવાદી ડાબેરી પાગલ ગણાવ્યા હતા અને ‘ વોકિઝમ ‘ ઉપર હુમલો કરી નોકરીમાં રંગ કે લિંગ ના આધારે નહી પણ કૌશલ્યને આધારે ભરતી કરવાની ઘોષણા કરી હતી.
તેમણે કહ્યું કે યુએસમાં ભરતીઓ મેરિટના આધારે થશે અને દેશ હવે વોક નહીં રહે.બહુવિધ વિવિધતા અને સમાવેશી કાર્યક્રમોની યાદી આપીને તેમણે એવા હેતુસર અપાયેલા ભંડોળને જુલ્મ સમાન ગણાવ્યું હતું અને તેનો અંત આણ્યો હોવાની જાહેરાત કરી હતી.તેમણે અમેરિકાએ 48 વર્ષમાં સૌથી ખરાબ ફુગાવાનો સામનો કર્યો હોવાનું જણાવી તેમની પ્રાથમિકતા અર્થતંત્રને બચાવવાની હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે વોક શબ્દનો મૂળ અર્થ “જાગવું” થાય છે, પરંતુ આધુનિક સંદર્ભમાં તેનો ઉપયોગ સામાજિક ન્યાય, વિવિધતા, સમાવેશ અને જાતિ કે લિંગ આધારિત ભેદભાવ વિરુદ્ધ જાગૃતિ દર્શાવવા માટે થાય છે. ટ્રમ્પે “અમેરિકા હવે વોક નહીં રહે” એમ કહીને, અમેરિકા હવે વિવિધતા અને સમાવેશ પર ભાર મૂકતી “વોક” વિચારધારા પર આધારિત કાર્યક્રમોને ત્યાગી ને મેરિટ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી જાહેરાત કરી હતી.આ સંબોધનમાં તેમણે ભારત સહિતના રાષ્ટ્રો પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી.
આઠ વર્ષમાં ન મેળવ્યું હોય તેટલું 43 દિવસમાં સિદ્ધ કર્યું
ટ્રમ્પે કહ્યું,”અમેરિકન ડ્રીમ ઉછળી રહ્યું છે , પહેલા કરતાં મોટું અને સારું. અમેરિકન ડ્રીમને હવે અટકાવી શકાય એમ નથી.” ‘ અમેરિકા ઇઝ બેક અગેન’ કહી તેમણે જણાવ્યું કે આપણો દેશ એવા પુનરાગમનની આરે છે જેવું વિશ્વ એ ક્યારેય જોયું નથી અને કદાચ ફરીથી ક્યારેય જોશે પણ નહીં.તેમણે અન્ય કોઈ વહીવટી તંત્ર આઠ વર્ષમાં પણ હાંસલ ન કરી શક્યું હોય તેટલું 43 દિવસમાં મેળવ્યું હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ સાથેના સંબોધનમાં તેમણે એલોન મસ્કની ભરપૂર પ્રશંસા કરી હતી.
એફબીઆઈના નવનિયુક્ત વડા કાશ પટેલને બિરદાવ્યા
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બોલતા તેમણે કહ્યું કે, “જેમ આપણે આપણી સાર્વભૌમત્વ પાછી મેળવીએ છીએ, તેમ આપણે આપણા શહેરો અને નગરોમાં કાયદો અને વ્યવસ્થા પણ પાછી લાવવી જોઈએ. તાજેતરના વર્ષોમાં, આપણી ન્યાય વ્યવસ્થા અંતિમવાદી ડાબેરી પાગલો દ્વારા ઉલટાવી દેવામાં આવી છે. ઘણા અધિકારક્ષેત્રોએ ખતરનાક ગુનેગારો સામે કાયદાનો અમલ લગભગ બંધ કરી દીધો છે જ્યારે મારા જેવા રાજકીય વિરોધીઓ સામે કાયદાનો દુરુપયોગ કર્યો હતો.તેમના વહીવટીતંત્રે એફબીઆઈ અને ડીઓજે (ન્યાય વિભાગ)થી શરૂ કરીને ઝડપથી અને નિર્ણાયક રીતે ન્યાયી, સમાન અને નિષ્પક્ષ ન્યાયને પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું હોવાનું જણાવી તેમણે નવનિયુક્ત યુએસ એટર્ની જનરલ પામ બોન્ડી અને એફબીઆઈ ચીફ કાશ પટેલને શાબાશી આપી હતી.