રાજકોટની બે સહિત 14 સ્કૂલોનું CBSEનું એફિલિએશન રદ : નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપી શકે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સી.બી.એસ.ઈ. દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં રાજકોટની બે સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડિસેફિલિએશનનો અર્થ એ છે કે શાળાઓ હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને પરંતુ હાલની બેચનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને કોઇ અસર પહોંચશે નહી. રાજકોટની જે બે શાળાઓનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે તેમાં બી.એમ. કયાડા સ્કુલ અને આર્ય વીર ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે.
CBSEએ જાહેર કરેલી ડિસેફિલિએટેડ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં DLA એકેડેમી ઓફ લિટલ પીપલ, ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ હાઇ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, હિરપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરની સરોજબેન મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજદીપ ઇંગ્લિશ સ્કૂલ અને સનફ્લાવર સ્કૂલ, સુરતની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, વલસાડની ભાસ્કરદ્યુતિ વિદ્યાલય અને અમરેલીની કેલોરેક્સ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. જો કે CBSEએ આ શાળાઓમાં માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક જેવા ચોક્કસ વિભાગો માટે સંલગ્નતા નકારી કાઢી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં CBSE દ્વારા એકસાથે આ સૌથી વધુ શાળાને ડિસેફિલિએશન કરવામાં આવી છે. આ સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઇન્સ્પેકશન દરમિયાન નિયમોનાં પાલનમાં જોવા મળેલી બેદરકારીને માનવામાં આવી રહી છે.