રોડ અને જાહેર જગ્યાએ ધાર્મિક દબાણો દુર કરવા સંદર્ભે સરકારે કોર્ટ પાસે વધુ સમય માગ્યો
સમગ્ર રાજ્યમાં રોડ ઉપર અને જાહેર જગ્યાએ થયેલા ધાર્મિક દબાણો અંગે કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ડેટા આપવા માટે હાઇકોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી. હાઇકોર્ટે આ મામલામાં વધુ સુનાવણી આવતા મહીને રાખી છે.
હાઇકોર્ટમાં જાહેર હિતની સુઓ મોટો અરજી થયા બાદ સરકાર પાસે આ પ્રકારના દબાણોની માહિતી માગવામાં આવી હતી. આ પછી સરકારે જીલ્લા સ્તરે કમિટીની રચના કરીને આ અંગે સર્વે કરવા સુચના આપી હતી પરંતુ આ જીલ્લા સ્તરની કમિટીનો સર્વે પૂરો થયો નથી અને તેથી પુરતી માહિતી એકત્રિત થઇ નથી.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રીપોર્ટ રજુ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી. આ સુનાવણી દરમિયાન આ મામલામાં સુપ્રિમ કોર્ટે આપેલા નિર્દેશો અનુસાર જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોનો મુદ્દો ચર્ચાયો હતો અને આ દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરવાનો મુદ્દો પણ ઉપસ્થિત થયો હતો.
ગુજરાત સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે, ધાર્મિક દબાણો અંગે સર્વેનું કામ જીલ્લા અને મ્યુનિસિપલ સ્તરે ચાલી રહ્યું છે અને હજુ સુધી પૂરો ડેટા એકત્ર થયો નથી. આ રજૂઆત પછી હાઇકોર્ટે વધુ સુનાવણી આવતા મહીને રાખી છે.