ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતની શાનદાર એન્ટ્રી : સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપનો બદલો લીધો
કિંગ ફોહલીના ઝમકદાર 84, અને બોલરોએ જુસ્સાથી રંગ રાખ્યોઃ દેશભરમાં ઉજવણી
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આ સાથે ભારતે વનડે વર્લ્ડ કંપનો બદલો પણ લઈ લીધો છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ૪ વિકેટથી મેચ જીતી લીધી હતી. સેમી ફાઈનલમાં હારતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની સફર પૂરી થઈ છે. હવે ભારત ૯ માર્ચે દુબઈમાં બીજી સેમી કાઈનલના વિજેતાની સામે ફાઈનલમાં ટકરાશે. જીત સાથે ભારત વર્લ્ડ કપ હારનો પણ બદલો લઈ લીધો છે.
ફાઇનલમાં ભારતની શાનદાર એન્ટ્રી
ભારતની ઓપનિંગ જોડી ફેલ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા ૨૮ અને ગિલ ૮ રન બનાવીને આઉટ થયાં હતા. ત્યારે બાદ કોહલી અને અય્યરની જોડીએ મોરચો સંભાળ્યો હતો. કોહલીએ ૫૪ બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને તે સદી તરફ આગળ વધતો હતો પરંતુ ૮૪ રનમાં કોહલીની ગેમ ઓવર થઈ ગઈ હતી. અય્યર ૪૫ રનમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ આવેલા અક્ષર પટેલે પણ વિસ્ફોટક ઈનિંગ ખેલી હતી જોકે તે પણ ક્લિન બોલ્ડ થયો હતો અને તેણે ૨૭ રનનું યોગદાન આપ્યું હતું.ત્યારબાદ રાહુલ અને હાર્દિકે બાજી સંભાળી હતી.
2013માં ભારતે જીતી હતી ચેમ્પિયન્સ ટ્રોફી
ફાઈનલ એન્ટ્રી સાથે ભારત પાસે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક આવી છે. આ પહેલા ભારતે ૨૦૧૩ની સાલમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
મોહમ્મદ શમીએ 3 અને જાડેજા-વરૂણે 2-2 વિકેટ લીધી
ઝડપી બોલર મોહમ્મદ શમીએ ૧૦ ઓવરમાં ૪૮ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. સ્પિનરો વરુણ ચકવર્તી અને રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડયાએ એક-એક વિકેટ લીધી હતી.