605 વિકેટ લેનારા મહાન સ્પીનર પદ્માકર શિવાલકરનું નિધન
મુંબઈના મહાન સ્પીનર પદ્માકર શિવલકરનું ૮૪ વર્ષની વયે નિધન થયું હતું. ભારત વતી ક્યારેય ન રમી શકનારા છતાં સર્વશ્રેષ્ઠ સ્પીનર તરીકે જેમની ઓળખ થતી હતી તેવા શિવાલકર ૧૯૬૧-૬૨થી ૧૯૮૭-૮૮ વચ્ચે કુલ ૧૨૪ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યા હતા અને ૧૯.૬૯ની સરેરાશથી ૫૮૯ વિકેટ મેળવી હતી. આ ઉપરાંત લિસ્ટ `એ’ ક્રિકેટમાં તેમને કુલ ૧૬ વિકેટ મળી હતી. આ રીતે ૬૦૦થી વધુ વિકેટ મેળવવા છતાં તેમને ભારતીય ટીમમાં તક મળી ન્હોતી. સુનિલ ગાવસ્કરે શ્રદ્ધાંજલિ પાઠવતાં કહ્યું કે અન્ય ખેલાડીઓ કરતા વધુ શિવાલકર ભારત માટે રમવાનો અધિકાર ધરાવતા હતા પરંતુ એવું બની શક્યું નથી.
ડાબા હાથના સ્પિનરે 22 વર્ષની ઉંમરમાં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું અને 48 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધામાં 589 વિકેટ લીધી, જેમાં 13 વખત મેચમાં 10 વિકેટ લેવાનું સામેલ છે. શિવાલકરે 12 લિસ્ટ એ મેચોમાં 16 વિકેટ લીધી છે. તેમને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા 2017માં સીકે નાયડુ લાઈફટાઈમ અચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈ ક્રિકેટ સંઘ (એમસીએ)ના અધ્યક્ષ અજિંક્ય નાઈકે કહ્યું, ‘મુંબઈ ક્રિકેટે આજે એક સાચા દિગ્ગજને ગુમાવ્યા છે. પદ્માકર શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.’