હવે દ્રષ્ટિહીન લોકો પણ જજ બની શકશે : સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આ જૂનો નિયમ રદ કરવામાં આવ્યો
સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યુ છે કે, કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો તેને ન્યાયિક સેવાની ભરતી પ્રક્રિયાથી વંચિત ન રાખી શકાય. દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. તેઓને પણ ન્યાયિક સેવાઓમાં નિમણુંકનો અધિકાર છે. જસ્ટીસ જે.બી. પારડીવાલા અને જસ્ટીસ આર. મહાદેવની બનેલી બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે ન્યાયિક સેવાઓમાં કોઈપણ પ્રકારના ભેદભાવ થવો ન જોઈએ અને રાજ્યએ ઇન્કલુઝીવ માળખું પૂરું પાડવા માટે સકારાત્મક પગલાં લેવા જોઈએ. આ સાથે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મધ્યપ્રદેશ સરકારના નિયમને રદ કરી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કોઈ પણ ઉમેદવારને ફક્ત દિવ્યાંગતાના આધારે આવી તકથી વંચિત રાખી શકાય નહીં.”
ગત વર્ષે, એક દૃષ્ટિહીન ઉમેદવારની માતાએ મધ્યપ્રદેશ ન્યાયિક સેવાઓમાં નિમણુક માટેના નિયમોમાં એક જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં પત્ર લખ્યો. આ જોગવાઈ મુજબ દૃષ્ટિહીન ઉમેદવારની રાજ્ય ન્યાયિક સેવાઓમાં નિમણૂક ન થઇ શકે.
સુપ્રીમ કોર્ટે આ પત્રને સુઓ મોટો અરજી બદલી દીધો અને સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે આજે મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિયમોના નિયમ 6A ને રદ કર્યો. આ નિયમ દૃષ્ટિહીન ઉમેદવારોને ન્યાયતંત્રમાં જોડાવાની મંજૂરી આપતો ન હતો.
હવે મધ્યપ્રદેશના આવા ઉમેદવારો ન્યાયિક સેવાની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર રહેશે કોર્ટે રાજસ્થાનમાં સમાન હોદ્દા ધરાવતા ઉમેદવારોને પણ આવી જ રાહત આપી હતી.