ટ્રમ્પના ટેરિફ તોફાન સામે એક્શનમાં મોદી સરકાર : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મહત્વની ચર્ચા માટે અમેરિકા રવાના થયા
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વેપાર વાટાઘાટોને આગળ વધારવા માટે અમેરિકાની મુલાકાત લેવા માટે રવાના થયા હોવાનું બહાર આવ્યું છે . બે સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા પછી સરકારે આ પ્રવાસનું આયોજન કર્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પિયુષ ગોયલની મુલાકાત અચાનક નક્કી થઈ છે અને તેઓ 8 માર્ચ સુધી પૂર્વ-નિર્ધારિત બેઠકો રદ કરીને ચાલ્યા ગયા હતા. તેઓ ઉદ્યોગ મંત્રી પણ છે. એમને કેટલાક મહત્વના મુદાઓ પર વાતચીત કરવા માટે મોકલાયા હોવાનું પણ જણાવાયું છે .
ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશો 2025 સુધીમાં વેપાર કરારના પ્રથમ વિભાગ પર કામ કરવા સંમત થયા હતા, જેમાં 2030 સુધીમાં 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
અનેક ક્ષેત્રોમાં દેશમાં ચિંતા છે
ભારત સહિતના વેપારી ભાગીદારો પર એપ્રિલની શરૂઆતથી પારસ્પરિક ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવથી ઓટોથી લઈને કૃષિ સુધીના ક્ષેત્રોમાં ભારતીય નિકાસકારો ચિંતિત થયા છે, સિટી રિસર્ચના વિશ્લેષકોએ વાર્ષિક આશરે $7 બિલિયનનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.
પિયુષ ગોયલ મોટા ભાગે ટેરિફ અંગે જ ચર્ચા કરવાના છે . વેપાર અંગેના સોદા બારામાં પણ બેઠકમાં વાતચીત થઈ શકે છે . ભારતે અનેક ચીજો પરના ટેરિફમાં ઘટાડો કરવાની વિચારણા કરવાનો સંકેત આપ્યો છે અને ટ્રમ્પને રાજી કરવા માટે સરકાર વિચાર કરી રહી છે ત્યારે આ બેઠક મહત્વની બની રહેશે. જો આ બેઠક સફળ રહે તો ભારતને થોડી રાહત મળી શકે છે