દેશી-વિદેશી પર PCBની ધોંસ: દારૂ સાથે બે બૂટલેગર પકડાયા, એક ફરાર
ગોંડલ રોડ પર બોલેરોમાં ૧૧૦૦ લીટર દારૂ સાથે બૂટલેગરની ધરપકડ: અમદાવાદ-રાજકોટ રોડ પર દારૂ ભરેલી રિક્ષા, આજીડેમ ચોકડી પાસે મકાનમાંથી વિદેશી દારૂ રેઢા મળ્યા
પોલીસના લાખ પ્રયત્ન છતાં રાજકોટમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ બંધ થવાનું નામ જ ન લઈ રહ્યું હોય તેમ દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી જથ્થો પકડાઈ રહ્યો છે. પીસીબીએ ત્રણ સ્થળે દરોડા પાડી દેશી-વિદેશી દારૂ પકડ્યો હતો. જો કે બે સ્થળે બૂટલેગર હાથમાં આવ્યા ન્હોતા.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણ તેમજ ટીમ દ્વારા આજીડેમ ચોકડી પાસે શિવમ પાર્ક શેરી નં.૪માં ક્રિષ્ના કોમ્પલેક્સવાળી શેરીમાં આવેલા મકાનમાં દરોડો દાડી ૪૦ બોટલ વિદેશી દારૂ સાથે યોગેશ જેન્તીભાઈ રાઠોડ પકડાયો હતો જ્યારે વિજય ઉર્ફે ભોદીયો ગોવિંદભાઈ સાબરિયા હાથમાં આવ્યો ન્હોતો. જ્યારે ગોંડલ રોડ પર ગીતાનગર-૧, રાધે લેમિનેટ પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી બોલેરોને અટકાવીને તલાશી લેવાતાં તેમાંથી ૧૧૦૦ લીટર દેશી દારૂ સાથે સુરેશ ઉર્ફે લાલો સાર્દૂળભાઈ વીકમા પકડાઈ ગયો હતો.
ત્રીજો દરોડો અમદાવાદ તરફથી રાજકોટ આવતાં રોડ ઉપર ખોડિયાર ટી-સ્ટોલ સામે રેઢી પડેલી રિક્ષાની તલાશી લેતાં તેમાંથી ૨૪ બોટલ દારૂ મળતાં તેના ચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી.