વિદેશ જતા લોકો ખાસ ધ્યાન આપે : હવે આ ડોક્યુમેન્ટ વગર પાસપોર્ટ નહીં બને, કેન્દ્ર સરકારે નિયમમાં કર્યો ફેરફાર
પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેનાથી કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેની નાગરિકતા સાબિત થાય છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી જરૂરી દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમા ફરવાનું, ભણવાનું, બિઝનેસ કે અન્ય કારણોસર મુસાફરી કરી શકો છે. ત્યારે હવે પાસપોર્ટને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે હવે 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આ જન્મ પ્રમાણપત્ર વિના જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં અને તેના વિના પાસપોર્ટ નહિ બને.
કેન્દ્ર સરકાર દ્વારા આ અઠવાડિયે 1980ના પાસપોર્ટ નિયમોમાં સુધારાને અસર કરતી એક સત્તાવાર નોંધ જાહેર કરવામાં આવી હતી. આ નોંધ અંગે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુધારાઓ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો લાગુ થઈ જશે.
આ નવા નિયમો પ્રમાણે 1 ઓક્ટોબર, 2023ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોના જન્મ તારીખના પુરાવા માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. આ જન્મ પ્રમાણપત્ર જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ સત્તા પ્રાપ્ત કોઈપણ યોગ્ય અધિકારી દ્વારા જારી કરાયેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત આ તારીખ પહેલાના અરજદારો જૂની સિસ્ટમ પ્રમાણે જન્મ તારીખના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક દસ્તાવેજો પણ જમા કરાવી શકે છે.