માઇ ભક્તો માટે મહત્વના સમાચાર : અંબાજીમાં ગબ્બર રોપવે સેવા આ તારીખ સુધી બંધ રહેશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
અંબાજી ધામમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 6 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ વેની સુવિધા બંધ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી ધામમાં રોપ વેની સુવિધા આગામી મહિનામાં 6 દિવસ માટે બંધ રાખવામાં આવશે. અંબાજી ધામમાં રોપ વેની વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. આવનારા મહિનામાં 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ વેની સુવિધા બંધ રહેશે.
ચાલતા જવાના 999 પગથિયા
અંબાજી ગબ્બર રોપવે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે, જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ગબ્બર ઉપર જઇ શકે છે. ગબ્બર પર ચાલતા જવાના 999 પગથિયા છે અને ઉતરવાના 765 પગથિયા છે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપવે ભલે બંધ રહેશે, પણ ગબ્બરનાં તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રિકોની સલામતી માટે રોપ વેની મરામત થતી હોય છે.
દરરોજ દર્શન કરવા આવે છે હજારો માઈભક્તો
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વેની સેવા ઉપલબ્ધ કરાઇ છે.
