CT બાદ હવે એશિયા કપમાં ટકરાશે ભારત-પાક. : એક નહીં ત્રણ વખત થઈ શકે મુકાબલો
- સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન: યજમાન ભારત રહેશે પણ યુએઈ અથવા શ્રીલંકામાં રમાઈ શકે ટૂર્નામેન્ટ
- રોહિત, કોહલી, જાડેજા હવે નહીં રમે, સૂર્યકુમારના હાથમાં ટીમની કમાન
ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ પહેલાં એશિયા કપનું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટનું યજમાન ભારત છે પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) ટૂર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળ ઉપર કરાવી શકે છે. આ ટૂર્નામેન્ટ ચાલું વર્ષે સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે.
ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે અત્યંત મહત્ત્વની આ ટૂર્નામેન્ટ યુએઈ અથવા શ્રીલંકામાં રમાઈ શકે છે. ટી-૨૦ ફોર્મેટ હોવાને કારણે રોહિત, વિરાટ, રવિન્દ્ર તેમાં રમશે નહીં એટલા માટે ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. ટૂર્નામેન્ટમાં ૧૯ મુકાબલા રમાશે. સૌથી મોટી ખાસિયત ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી ટક્કર છે. જો બન્ને ટીમ ફાઈનલમાં પહોંચે છે તો ત્રણ વખત એકબીજા સામે રમશે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો.
ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગ સામેલ છે. તમામ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. છેલ્લે એશિયા કપનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં થયું હતું. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને ૧૦ વિકેટે હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.