સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી, બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં સોનામાં બૉટમ લેવલથી સુધારો
બ્રિટનનું ઇન્ફ્લેશન ૨૯ મહિનાના તળિયે પહોંચતાં પાઉન્ડ સુધરતાં ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટ્યાં
અમેરિકાના સ્ટ્રૉન્ગ રીટેલ સેલ્સના ડેટા બાદ સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી હતી, પણ બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં પાઉન્ડની તેજી સામે ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનું બૉટમ લેવલથી સુધર્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૩ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૩૦ રૂપિયા વધી હતી. ચાંદી છેલ્લા બે દિવસથી સતત સુધરી રહી છે. છેલ્લા બે દિવસમાં ચાંદી પ્રતિ કિલો ૧૪૩ રૂપિયા વધી હતી.
- ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બ્રિટનનું ઇન્ફ્લેશન જુલાઈમાં ઘટીને ૨૯ મહિનાની નીચી સપાટીએ ૬.૮ ટકાએ પહોંચ્યું હતું જે જૂનમાં ૭.૯ ટકા હતું. બ્રિટનનું કોર ઇન્ફ્લેશન પણ ઘટીને ૬.૯ ટકા રહ્યું હતું. બ્રિટનમાં ટ્રાન્સપોર્ટ પ્રાઇસ જુલાઈમાં ૨.૧ ટકા ઘટી હતી કારણ કે ફ્યઅલ અને લુબ્રિકન્ટની પ્રાઇસ ૨૪.૯ ટકા ઘટી હતી. ફૂડ અને નૉન આલ્કોહોલિક બ્રેવરેજિસની પ્રાઇસનો વધારો પણ ધીમો પડ્યો હતો. મન્થ્લી બેઝ પર કન્ઝ્યુમર ઇન્ફ્લેશન 0.૪ ટકા ઘટ્યું હતું, જેમાં જાન્યુઆરી પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાનું રીટેલ સેલ્સ જુલાઈમાં ૦.૭ ટકા વધ્યું હતું જે સતત ચોથા મહિને વધ્યું હતું અને માર્કેટની ૦.૪ ટકા વધારાની ધારણા કરતાં વધુ વધ્યું હતું. જૂનમાં રીટેલ સેલ્સ ૦.૩ ટકા વધ્યું હતું. ઍમેઝૉન પ્રાઇમ ડે સેલ્સને બહોળો પ્રતિસાદ મળતાં ઓવરઑલ રીટેલ સેલ્સ વધ્યું હતું. સ્પોર્ટિંગ ગુડ્સ, મ્યુઝિકલ ઇસ્ટ્રુમેન્ટ, બુક્સના સેલ્સમાં ૧.૫ ટકા, ફૂડ સર્વિસ-ડ્રિન્કિંગ પ્લેસના સેલ્સમાં ૧.૪ ટકા, ક્લોથિંગના સેલ્સમાં એક ટકા અને પર્સનલ કૅરના સેલ્સમાં ૦.૭ ટકાનો વધારો થયો હતો. ફર્નિચર સેલ્સ ૧.૮ ટકા, ઇલેક્ટ્રૉનિક્સ સેલ્સ ૧.૩ ટકા અને મોટર વેહિકલ સેલ્સ ૦.૩ ટકા ઘટ્યું હતું.
અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૫૬ પૉઇન્ટની હતી. સિંગલ ફૅમિલી હોમ સેલ્સનો ઇન્ડેક્સ ઘટીને ૫૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૬૨ પૉઇન્ટ હતો. આગામી છ મહિનામાં હોમસેલ્સ કેવું રહેશે એનો ઇન્ડેક્સ ચાર પૉઇન્ટ ઘટીને ૫૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઘટતાં અમેરિકામાં હાલ ૧૫ લાખ ઘરોની શૉર્ટેજ જોવા મળી રહી છે.
અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ જુલાઈમાં ૦.૭ ટકા વધી હતી જે જૂનમાં ૦.૭ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. એક્સપોર્ટ પ્રાઇસમાં છેલ્લા એક વર્ષનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ પણ ૦.૪ ટકા વધી હતી જે જૂનમાં ૦.૧ ટકા વધી હતી તેમ જ માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. ખાસ કરીને ઇમ્પોર્ટેડ ફ્યુઅલની પ્રાઇસ ૩.૬ ટકા વધી હતી જે જાન્યુઆરી પછી પ્રથમ વખત વધી હતી.
ચીનની સેન્ટ્રલ બૅન્કે લૅન્ડિંગ રેટમાં ૨૦૨૩માં બીજી વખત વધારો કર્યો હતો. વન યર મિડિયમ ટર્મ લૅન્ડિંગ રેટ ૧૫ બેસિસ પૉઇન્ટ ઘટીને ૨.૫૦ ટકાએ પહોંચ્યા હતા, અગાઉ જૂન મહિનામાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. જુલાઈ મહિનામાં ન્યુ બૅન્ક લોનમાં ૮૯ ટકાનો ઘટાડો થતાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત લૅન્ડિંગ રેટ ઘટાડ્યા હતા.
ચીનનું રીટેલ સેલ્સ જુલાઈમાં ૨.૫ ટકા વધ્યું હતું જે જૂનમાં ૩.૧ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૪.૫ ટકા વધારાની હતી. ચીનનું રીટેલ સેલ્સ સતત સાતમા મહિને વધ્યું હતું, પણ છેલ્લા સાત મહિનાનું સૌથી નાનો વધારો રીટેલ સેલ્સમાં થયો હતો. ટબૅકો, આલ્કોહોલ, ક્લોથિંગ, સૂઝ, હેટ, ટેક્સટાઇલ, ફર્નિચર, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટના સેલ્સનો વધારો ધીમો પડ્યો હતો, જ્યારે કૉસ્મેટિક, જ્વેલરી, હોમ અપ્લાયન્સિસ પર્સનલ કૅર, ઑફિસ સપ્લાય, બિલ્ડિંગ મટીરિયલ્સ, ઑઇલ પ્રોડક્ટ અને ઑટોમોબાઇલ્સનું સેલ્સ ઘટ્યું હતું. ૨૦૨૩ના પ્રથમ સાત મહિનામાં રીટેલ સેલ્સ ૭.૩ ટકા વધ્યું હતું.
ચીનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૩.૭ ટકા વધ્યું હતું જે જૂનમાં ૪.૪ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૪.૪ ટકા વધારાની હતી. ચીનના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું આઉટપુટ ૩.૯ ટકા જુલાઈમાં વધ્યું હતું જે જૂનમાં ૪.૮ ટકા વધ્યું હતું જ્યારે માઇનિંગ આઉટપુટ ૧.૩ ટકા વધ્યું હતું જે જૂનમાં ૧.૫ ટકા વધ્યું હતું. પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ એક્સટ્રેક્શન અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનું આઉટપુટ વધ્યું હતું.
ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ના પ્રથમ સાત મહિનામાં ૩.૪ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી જૂન મહિનામાં ૩.૮ ટકા વધ્યું હતું. પ્રથમ સાત મહિનામાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૩.૮ ટકા વધવાની ધારણા માર્કેટની હતી એના કરતાં ઘટ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ, માઇનિંગ અને યુટિલિટીનું સેલ્સ વધ્યું હતું, પણ સેકન્ડરી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું હતું.
જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ સેકન્ડ ક્વૉર્ટરમાં છ ટકા રહ્યો હતો જે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૩.૭ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૩.૧ ટકાની હતી. જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ સતત ત્રીજા ક્વૉર્ટરમાં વધ્યો હતો. જપાનની એક્સપોર્ટનો વધારો બે વર્ષની ઊંચાઈએ અને ઇમ્પોર્ટ સતત ઘટી રહી હોવાથી જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ ઊછળ્યા હતો. પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઘટતાં બિઝનેસ ઍક્ટિવિટી નબળી રહી હોવા છતાં ગવર્નમેન્ટ સ્પેન્ડિંગના વધારાને કારણે ઇકૉનૉમિક ગ્રોથ વધ્યો હતો.
- શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનામાં હાલ શૉર્ટ ટર્મ મંદીનાં કારણો વધી રહ્યાં હોવાથી ૧૯૦૦ ડૉલરની સપાટી તૂટી હતી. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને ફેડ હજી એકથી બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવા મક્કમ હોવાથી સોનામાં હાલ કોઈ તેજીના ચાન્સ દેખાતા નથી. અધૂરામાં પૂરું બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં હવે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ફેડથી વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારો કરી શકે એમ ન હોવાથી સોનામાં તેજી થવાની એક વધુ શક્યતા તૂટી હતી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૯૬૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૭૩૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૨૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)