આગામી તા.4ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઇસરોના ડાયરેક્ટરની હજરીમાં યોજવા જઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 126 ગોલ્ડમેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાનાર 59માં પદવીદાન સમારોહમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભભાઈ પાનશેરીયા તથા ઈસરો અમદાવાદના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહેશે.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની14 વિદ્યાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 126 ગોલ્ડમેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
વધુમાં પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 126 દિક્ષાર્થીઓમાં 39 વિદ્યાર્થીઓ તથા 87 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૦૪ (ચાર) ગોલ્ડમેડલ અને ૦૩ (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ. માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ અને ૦૭ (સાત) પ્રાઈઝ, શ્રીમતી પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલ.એલ.બી. માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ અને ૦૬ (છ) પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ તથા ૦૨ (બે) પ્રાઈઝ એનાયત થશે.