ધો.10માં નારી તું નારાયણી, માતૃભાષાનું મહત્વનનો નિબંધ પૂછાયો: પેપર સરળ,વિદ્યાર્થીઓ ખુશખુશ ; પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં એક પણ કોપીકેસ નહિ
પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં એક પણ કોપીકેસ નહિ:આજે ધો.10 અને 12 સાયન્સમાં રજા, પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનો જુસ્સો વધારતા કલેક્ટર, પોલીસ કમિશનર અને ડી.ઇ.ઓ
રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ રહયો હતો. ધોરણ 10માં ગુજરાતીનું પેપર સાવ સહેલું રહેતાં છાત્રોનાં ચહેરા પર ખુશી જોવા મળી હતી. બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને ધોરણ 12 સાયન્સમાં ફિઝિકસનું પેપર રહ્યું હતું.
પરીક્ષાના પ્રથમ દિવસે એક પણ કોપી કેસ ન નોંધાતાં શિક્ષણ તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરીક્ષા શરૂ થતા પ્રથમ દિવસે અલગ અલગ કેન્દ્રો પર કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા,ડી.ઇ.ઓ.કિરીટસિંહ પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી અને તેમને શાંતિપૂર્વક ચિંતા વિના પરીક્ષા આપવા માટે સલાહ સાથે શુભેચ્છા આપી હતી.
ધોરણ 10 માં પ્રથમ પેપર ભાષાનું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં ઇંગલિશનું પેપર લેવાયું હતું. ગુજરાતીમાં નારી તું નારાયણી, માતૃભાષા નું મહત્વ, વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વિષય પર નિબંધ પૂછવામાં આવ્યા હતા. સરળ નિબંધ, સામાન્ય અહેવાલ અને પ્રશ્નો પણ સરળ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પરથી હળવા ફૂલ થઈને બહાર આવ્યા હતા.
પ્રથમ દિવસે ગુજરાતીના પેપરમાં રાજકોટ જિલ્લાના કુલ 40,662 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેમાંથી 882 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સમાં રજા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કૃષિ વિદ્યા અને તત્વજ્ઞાનનું પેપર છે. આવતીકાલે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત, ધોરણ 12 કોમર્સ માં વાણિજ્ય વ્યવસ્થા અને વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર છે.