આજે ‘આબરૂ’ બચાવવા મેદાને ઉતરશે પાકિસ્તાન-બાંગ્લાદેશ : બપોરે ૨:૩૦ વાગ્યાથી મુકાબલો: બન્નેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ છેલ્લી મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યંત લચર પ્રદર્શન કરીને બહાર થઈ જનારી પાકિસ્તાની ટીમ આજે પોતાની અંતિમ લીગ મેચ રમવા ઉતરશે. બીજી બાજુ બાંગ્લાદેશ પણ બન્ને મેચ હારી ગઈ હોય આજે પાકિસ્તાન સામે જીતીને ઈજ્જત સાથે વિદાય લેવા માટે મેદાને ઉતરશે. બપોરે ૨:૩૦ વાગ્યાથી આ મુકાબલો શરૂ થશે.
પાકિસ્તાન ઉપર કોઈ પણ ભોગે જીતનું દબાણ રહેશે કેમ કે તે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા વગર બહાર થશે તો લોકોના રોષનું ભોગ બનવું પડી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને બે મેચ રમી છે જે બન્નેમાં તેનો કારમો પરાજય થયો હતો. જો બાંગ્લાદેશ ટીમે પાકિસ્તાનને હરાવી દીધું તો પાક.નો ફજેતો થવો નિશ્ચિત છે કેમ કે પોતાની જ યજમાનીમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં કોઈ ટીમ એક પણ મેચ ન જીતી શકી હોય તેવું લગભગ અગાઉ જવલ્લે જ બન્યું હશે. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ અંતિમ મેચમાં માત્ર સ્ટેન્ડમાં બેસીને બીજી ટીમોનો ઉત્સાહ વધારતી જોવા મળશે !